IB અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત 5 દોષિતોને આજીવન કેદની સજા

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અધિકારી અંકિત શર્માની હત્યાના ચર્ચિત કેસમાં શુક્રવારે દિલ્હીની કડકડડૂમા કોર્ટે આઆપ (AAP) ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની (ઉમ્રકેદ) સજા સંભળાવી છે. કોર્ટે આઈબી અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તમામ આરોપીઓને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા) હેઠળ આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત દોષિતોને રમખાણો કરવા, ઘાતક હથિયારો સાથે દંગા કરવા, અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ માટે પણ સજા સંભળાવવામાં આવી છે. અદાલતે મુખ્ય આરોપી તાહિર હુસૈન પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ક્યારે જાહેર કરાયા હતા દોષિત?

વર્ષ 2020 માં દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે કડકડડૂમા કોર્ટે 13 જુલાઈના રોજ પૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન, નાઝિમ, કાસિમ, જાવેદ અને અન્સને હત્યા તથા ફોજદારી કાવતરા જેવી ગંભીર કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

લાંબા સમય સુધી ચાલેલી સુનાવણી દરમિયાન સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પૂરાવાઓના આધારે કોર્ટે આ પાંચેય આરોપીઓને ગુનેગાર માન્યા હતા. અદાલતે તેમને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302 (હત્યા), કલમ 363 (અપહરણ) અને કલમ 147 (રમખાણ) હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જેના આધારે હવે સજાની જાહેરાત કરવામાં આવી છે.