મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણા સહિત 10 રાજ્યો માટે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત

નવી દિલ્હીઃ રાજ્યસભાની 10 રાજ્યોમાં ખાલી થતી 37 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે આ અંગે માહિતી આપી છે. ચૂંટણી પંચે રાજ્યસભા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી એ સભ્યોની જગ્યાઓ ભરવા માટે યોજાશે જેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. કુલ 10 રાજ્યોની 37 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ મુજબ 26 ફેબ્રુઆરી, 2026એ નોટિફિકેશન બહાર પડશે. ઉમેદવારી નોંધણી, તપાસ અને નામ પાછું ખેંચવાની પ્રક્રિયા નક્કી સમયમર્યાદા મુજબ પૂર્ણ થશે. તમામ બેઠકો માટે 16 માર્ચ 2026એ મતદાન થશે અને એ જ દિવસે મતગણતરી પણ હાથ ધરાશે.

આ ચૂંટણી મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની બેઠકો માટે યોજાશે. રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રાજ્યોમાં ચૂંટણીની હલચલ તેજ બની છે.

ચૂંટણી કાર્યક્રમ:

  • નોટિફિકેશન બહાર પડશે — 26 ફેબ્રુઆરી 2026
  • ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ — 5 માર્ચ 2026
  • ઉમેદવારી પત્રોની તપાસ — 6 માર્ચ 2026
  • નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ — 9 માર્ચ 2026
  • મતદાન — 16 માર્ચ 2026, સવારે નવથી સાંજે ચાર વાગ્યા સુધી
  • મતગણતરી — 16 માર્ચ 2026, સાંજે પાંચ વાગ્યાથી
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ — 20 માર્ચ 2026 સુધી

આ તમામ બેઠકો માટે 16 માર્ચ, 2026એ મતદાન યોજાશે અને રાજકીય પક્ષોએ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.