બાંગ્લાદેશમાં એક વધુ હિંદુની હત્યા

ઢાકાઃ બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ પર મંડરાતું સંકટ અટકતું નથી. બાંગ્લાદેશમાં ઇસ્લામિક ભીડના હાથે ચઢી ગયેલા એક વધુ હિંદુનું શુક્રવારે મોત થયું છે. મૃતકનું નામ ખોકન દાસ છે. ખોકન બાંગ્લાદેશમાં વેપાર કરતા હતા. થોડા દિવસો પહેલા ભીડે ખોકન પર હુમલો કર્યો હતો. ભારે મારપીટ કર્યા બાદ ભીડે ખોકનને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો, પરંતુ શુક્રવારે ખોકનનું મોત થયું. ખોકન દાસના મોતની જાણકારી તેમના પરિવારે આપી છે.

બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ મદદ નહીં

ખોકન દાસના એક સંબંધીને જણાવ્યું હતું કે ખોકનનું મોત સવારે થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. સંબંધીના જણાવ્યા અનુસાર ખોકન પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓ હજી પણ ફરાર છે. ખોકનના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રો છે. તેઓ પોતાના પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા.

ગામમાં દવાઓ અને મોબાઇલ બેન્કિંગનો વ્યવસાય કરતા હતા ખોકન

ખોકન દાસ ઢાકાથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં દવાઓ અને મોબાઇલ બેન્કિંગનો વ્યવસાય કરતા હતા. બુધવારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરતી વખતે તેમના પર હુમલો થયો હતો. ભીડે તેમના પર પેટ્રોલ ઢોળીને તેમને આગ ચાંપી દીધી હતી. ત્યાર બાદ આગ બુઝાવવા માટે ખોકન કોઈ રીતે તળાવમાં કૂદી ગયા હતા.

મારપીટ કર્યા બાદ આગ ચાંપી હતી

તળાવમાં કૂદ્યા પછી પણ ખોકન ગંભીર રીતે દાઝી ગયા હતા. એ સાથે જ તેમના શરીર પર ઊંડા ઘા હતા. સ્થાનિક લોકોએ તેમને પહેલા નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને ઢાકાની એક મોટી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ આજે ખોકન દાસનું મોત થયું હતું.

15 દિવસમાં 4 હિંદુઓને નિશાન બનાવાયા

બાંગ્લાદેશમાં છેલ્લા 15 દિવસમાં ચાર હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની ભીડ દ્વારા પિટાઈ કરીને હત્યા કરવામાં આવી. થોડા દિવસો પહેલા બજેન્દ્ર વિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ખોકન દાસનું પણ મોત થયું છે.