વર્લ્ડ ક્રિકેટમાં યુવા સનસનાટી તરીકે ઓળખાતા ભારતીય ઓપનિંગ બેટર વૈભવ સૂર્યવંશીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. વૈભવ હવે T20 ક્રિકેટના ઇતિહાસમાં કેપ્ટનશિપ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

14 નવેમ્બરથી શરૂ થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27માં વૈભવને પહેલીવાર બિહાર ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર સામેની મેચમાં જ્યારે તે ટોસ માટે મેદાન પર ઉતર્યો ત્યારે જ તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે . આ સાથે તેણે ક્રોએશિયાના જેક વુકુસિકનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે, બેટિંગમાં વૈભવનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. તે 12 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.
15 વર્ષની ઉંમરે સંભાળી કેપ્ટનશિપ
વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે શરૂઆત કરી છે. આ પહેલાં આ રેકોર્ડ ક્રોએશિયાના જેક વુકુસિકના નામે હતો. તેણે ગયા વર્ષે સાયપ્રસ સામે 17 વર્ષ અને 311 દિવસની ઉંમરે કેપ્ટનશિપ કરી હતી.
ભારતીય ડોમેસ્ટિક T20 ક્રિકેટમાં પણ વૈભવે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં સૌથી નાની ઉંમરે કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ મહિપાલ લોમરોરના નામે હતો. તેણે 2018માં રાજસ્થાન તરફથી 18 વર્ષ અને 67 દિવસની ઉંમરે ટીમની કમાન સંભાળી હતી.
માત્ર એક મેચ માટે જ બન્યો કેપ્ટન
વૈભવને બિહાર ટીમની કેપ્ટનશિપ માત્ર એક જ મેચ માટે સોંપવામાં આવી છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, બિહાર ક્રિકેટ એસોસિએશનના ચીફ સિલેક્ટર હરવિંદર સિંહે પણ આ વાતની પુષ્ટિ કરી છે.વૈભવ માત્ર પ્રથમ મેચ માટે જ ઉપલબ્ધ હોવાથી તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઇન્ડિયા-A ટીમ તરફથી ઇમર્જિંગ એશિયા કપ રમવા માટે કતાર જશે. તેના ગયા બાદ બિહાર ટીમની કમાન વાઇસ કેપ્ટન સૂરજ કશ્યપ સંભાળશે.






