આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ સાથે સંવાદ દરમિયાન અણછાજતી ભાષાનો ઉપયોગ કરતા લોકો સામે ટેક કંપનીઓએ કડક વલણ અખત્યાર કર્યું છે. અગ્રણી AI કંપની એન્થ્રોપિક દ્વારા પોતાના લોકપ્રિય ચેટબોટ ‘ક્લોડ’ માટે સુધારેલી યુઝર પોલિસી જાહેર કરવામાં આવી છે, જે 8 ઑક્ટોબર, 2026ના રોજ રજૂ કરાઈ હતી અને 12 નવેમ્બરથી લાગુ થશે. આ નિયમ હેઠળ જો કોઈ યુઝર ચેટબોટ સાથે સતત, વિના કારણ અને અત્યંત અપમાનજનક કે ક્રૂર વર્તન કરશે, તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કે કાયમી બંધ કરવામાં આવશે.

અસંમતિ દર્શાવવા પર કોઈ રોક નહીં
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયનો હેતુ યુઝર્સને જવાબોની ટીકા કરતા કે પ્રશ્નો ઉઠાવતા રોકવાનો બિલકુલ નથી. જો ક્લોડ કોઈ અધૂરો, અસ્પષ્ટ કે ખોટો ઉત્તર આપે અને યુઝર તેની ભૂલ દર્શાવે, અસંમતિ પ્રગટ કરે કે નારાજગી વ્યક્ત કરે તો તેને નિયમભંગ ગણવામાં નહીં આવે. આ કાર્યવાહી માત્ર ‘સસ્ટેન્ડ અને નીડલેસ એબ્યુસિવ બિહેવિયર’ એટલે કે કારણ વગર સતત અપાતી ગાળો અને માનસિક વિકૃતિ સમાન આક્રમક પ્રોમ્પ્ટિંગ સામે જ કરવામાં આવશે.
સંવેદના વગરના AI માટે નિયમો કેમ જરૂરી?
વર્તમાન AI મોડેલ્સ માત્ર ડેટા અને ભાષા આધારિત પેટર્ન પર કાર્ય કરે છે, જેથી તેમાં લાગણી કે અપમાનની કોઈ અનુભૂતિ હોતી નથી. તેમ છતાં આવા નિયમો લાવવા પાછળનું મુખ્ય કારણ ડિજિટલ શિષ્ટાચારનું રક્ષણ છે. એન્થ્રોપિકના મતે મશીન સાથે પણ સતત દ્વેષપૂર્ણ અને આક્રમક ભાષા વાપરવાની આદત માનવ સ્વભાવ અને એકંદર સામાજિક વર્તણૂક માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
અન્ય AI કંપનીઓના નિયમો અને યોગ્ય રીત
ઓપનએઆઈ (ChatGPT) અને ગુગલ જેમિની (Google Gemini) દ્વારા પણ ઉત્પીડન, હિંસક કન્ટેન્ટ, નફરતભર્યા ભાષણ અને એબ્યુસિવ વપરાશ સામે પહેલેથી જ એકાઉન્ટ બ્લોક કરવા જેવા કડક પ્રોટોકોલ અમલમાં છે. ટેકનિકલ નિષ્ણાતો અનુસાર, ચેટબોટને અપશબ્દો કહેવાથી જવાબોની ગુણવત્તા ક્યારેય સુધરતી નથી કારણ કે તે સૂચના આધારિત કામ કરે છે. ગુસ્સો કરવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં ‘રી-પ્રોમ્પ્ટ’ કરવું કે ‘Clarify’ જેવા તાર્કિક આદેશો આપવા એ સચોટ માહિતી મેળવવાનો સાચો રસ્તો છે.






