દુનિયાભરના ટેક રસિકો અને એપલ ચાહકો માટે 9 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. એપલ ક્યુપરટિનો, કેલિફોર્નિયા ખાતે આવેલા એપલ પાર્કથી તેના વર્ષના સૌથી મોટા ‘Surprise and Shine 2026’ લોન્ચ ઈવેન્ટનું આયોજન કરશે. નવા નવસર્જિત સીઈઓ જાન ટર્નસના કાર્યકાળનો આ પહેલો મોટો પબ્લિક ઈવેન્ટ હશે. આ કાર્યક્રમમાં કંપની તેના નેક્સ્ટ જનરેશન iPhone 18 પ્રો સિરીઝ ઉપરાંત અનેક નવી પ્રોડક્ટ્સ પરથી પરદો ઉંચકશે.

ભારતમાં ક્યારે અને ક્યાંથી લાઈવ જોઈ શકાશે?
અમેરિકી સમય મુજબ આ ઈવેન્ટ 9 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10:00 વાગ્યે શરૂ થશે, જે ભારતમાં તે જ દિવસે રાત્રે 10:30 વાગ્યે લાઈવ ટેલિકાસ્ટ થશે. એપલ પ્રેમીઓ આ ઈવેન્ટને કંપનીની સત્તાવાર વેબસાઈટ (Apple.com), Apple TV એપ અને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કોઈ પણ ડિવાઈસ દ્વારા લાઈવ નિહાળી શકશે.
iPhone 18 Pro અને Pro Max માં શું હશે ખાસ?
આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ iPhone 18 Pro અને Pro Max રહેશે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોન્સમાં TSMC ની લેટેસ્ટ 2nm ટેકનોલોજી પર આધારિત શક્તિશાળી A20 Pro ચિપસેટ મળી શકે છે. આ ઉપરાંત વધુ બેટરી લાઈફ, મોટો કેમેરા બમ્પ અને મિકેનિકલ વેરીએબલ અપર્ચર કેમેરા જેવા મોટા અપગ્રેડની શક્યતા છે. સ્માર્ટફોનમાં નવો ‘Sky Blue Titanium’ અને ‘Dark Cherry’ કલર ઓપ્શન જોવા મળી શકે છે. વધતી મેમરી કોસ્ટને કારણે આ મોડલ્સની કિંમતમાં 100 ડોલર સુધીનો વધારો થઈ શકે છે.
એપલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન: iPhone Ultra
ઈવેન્ટનું સૌથી મોટું સરપ્રાઈઝ એપલનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન હોઈ શકે છે, જેને ‘iPhone Ultra’ નામ આપવામાં આવી શકે છે. બુક-સ્ટાઈલ ડિઝાઈન ધરાવતા આ ફોનમાં 7.8 ઈંચની ઈન્ટરનલ સ્ક્રીન અને 5.3 ઈંચની કવર સ્ક્રીન મળવાની ધારણા છે. લીક્સ અનુસાર, તેમાં બેક સાઈડમાં બે 48MP કેમેરા અને સિક્યોરિટી માટે Face ID ની જગ્યાએ Touch ID આપવામાં આવી શકે છે. આ સુપર પ્રીમિયમ ફોનની કિંમત અંદાજે 2,500 ડોલર (આશરે રૂ. 2.36 લાખ) હોઈ શકે છે.
Apple Watch, AirPods અને સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ
આ ઈવેન્ટમાં સ્માર્ટફોન્સ ઉપરાંત Apple Watch Series 12 અને આઉટડોર સ્પોટ્સ પ્રેમીઓ માટે Apple Watch Ultra 4 પણ રજૂ થઈ શકે છે. સાથોસાથ હાર્ટ-રેટ ટ્રેકિંગ અને સેન્સર્સ સાથે AirPods 5 પણ ડેબ્યૂ કરી શકે છે. સ્માર્ટ હોમ કેટેગરીમાં એપલ 7 ઈંચની સ્ક્રીન ધરાવતું નવું Apple Home Hub, Apple TV 4K અને HomePod mini રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

