પંજાબ કોંગ્રેસમાં બળવાની આશંકાઃ અનેક નેતાઓ ભાજપના સંપર્કમાં

 ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં બળવાના સ્વરોએ પાર્ટીની આંતરિક ફૂટને ફરી એક વાર ઉજાગર કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નજીકના મનાતા ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્ની હાઈ કમાન્ડના નિર્ણયથી નારાજ છે. જે દિવસે પંજાબ કોંગ્રેસમાં બળવાના સંકેતો જોવા મળ્યા, એ જ દિવસે સાંસદ અને પૂર્વ ઉપ મુખ્ય મંત્રી સુખજિંદર સિંહ રંધાવા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોંએ કહ્યું હતું કે ભાજપમાં દરેકનું સ્વાગત છે.

કોંગ્રેસ સામે રાજકીય સંકટ

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને આવા સમયે કોંગ્રેસમાં ઉભરેલા અસંતોષે પાર્ટી સામે મોટું રાજકીય સંકટ ઊભું કર્યું છે. સપ્ટેમ્બર, 2021માં આંતરિક વિવાદ બાદ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ હાઈકમાન્ડે તત્કાલીન મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામું લેવડાવીને દલિત નેતા ચરણજિત સિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. હવે એ જ ચન્ની રાહુલ ગાંધીના નિર્ણયને પડકારતા જોવા મળી રહ્યા છે.

ભાજપના સંપર્કમાં અનેક અસંતુષ્ટ નેતાઓ

શુક્રવારે થયેલા ઘટનાક્રમ બાદ પંજાબના રાજકારણમાં મોટા રાજકીય ફેરફારોની અટકળો તેજ બની છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના અનેક નારાજ નેતાઓ ભાજપના સંપર્કમાં છે. ભાજપ પંજાબમાં પોતાનો આધાર મજબૂત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે અને સત્તા સુધી પહોંચવા માટે વિવિધ વ્યૂહરચનાઓ પર કામ કરી રહી છે. હાલ પંજાબ વિધાનસભામાં ભાજપના માત્ર બે જ ધારાસભ્યો છે, તેથી પાર્ટી આ તકને પોતાના માટે મહત્વપૂર્ણ માની રહી છે.

ભાજપમાં સૌનું સ્વાગત છે’ : કેવલ સિંહ ઢિલ્લોં

સાત મહિનામાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના આંતરિક કલહને ભાજપ પોતાના માટે એક મોટી રાજકીય તક તરીકે જોઈ રહી છે. પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોં જૂન, 2022 પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેથી કોંગ્રેસના અનેક નેતાઓ સાથે તેમના આજે પણ સારા વ્યક્તિગત સંબંધો છે. શુક્રવારે કોંગ્રેસમાં ચાલી રહેલી બળવાખોરી અંગે ઢિલ્લોંએ સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ એક મોટો પરિવાર છે અને અહીં આવનારા દરેક નેતાનું સ્વાગત છે. ઢિલ્લોં ઉપરાંત કોંગ્રેસના ઘણા નેતાઓ તરુણ ચુઘ, કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂ, પૂર્વ પંજાબ ભાજપ અધ્યક્ષ સુનીલ જાખડ અને કાર્યકારી અધ્યક્ષ અશ્વની શર્માના પણ સંપર્કમાં હોવાનું કહેવાય છે.