કોલસાની ખાણના વિસ્તરણની મંજૂરીથી છ લાખ વૃક્ષોનું નીકળશે નિકંદન

નવી દિલ્હી: ઝારખંડના ચતરા જિલ્લામાં ઓપનકાસ્ટ કોલસા ખાણ પ્રોજેક્ટના વિસ્તરણ માટે 928.03 હેક્ટર વન જમીનનો ઉપયોગ કરવાની યોજનાને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળની વન સલાહકાર સમિતિ (FAC) દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને કારણે અંદાજે 5.67 લાખ વૃક્ષો કાપવામાં આવશે, જેમાં 2.43 લાખ સાગનાં વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટને કારણે વિસ્તારમાં માનવ-હાથી સંઘર્ષની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે.

ઝારખંડમાં માનવ-હાથી સંઘર્ષ પર્યાવરણ અને જાહેર સુરક્ષા માટે ગંભીર સમસ્યા બની રહ્યો છે. જંગલોના વિભાજન, વૃક્ષોનું નિકંદન, ખાણકામ અને ખેતીના વિસ્તરણને કારણે હાથીઓના કુદરતી રહેઠાણો સતત ઘટી રહ્યાં છે. ભારતીય વન્યજીવ સંસ્થાન (WII) દ્વારા વર્ષ 2000થી 2023 દરમિયાન કરવામાં આવેલા લાંબા ગાળાના અભ્યાસમાં રાજ્યના 22 વન વિભાગોમાં માનવ-હાથી સંઘર્ષની 1740 ઘટનાઓ નોંધવામાં આવી હતી. આ ઘટનાઓમાં 1340 લોકોનાં મોત થયાં હતાં અને 400 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર વર્ષ 2026ની શરૂઆતમાં જ રાજ્યમાં માનવ-હાથી સંઘર્ષને કારણે 20 લોકોનાં મોત થયાં છે.

પ્રસ્તાવિત વન જમીન કોઈ સંરક્ષિત વિસ્તાર હેઠળ આવતી નથી, તેમ છતાં અહીં હાથી, જરખ, શિયાળ, બંગાળ ફોક્સ અને અજગર જેવી વન્યજીવ પ્રજાતિઓની હાજરી નોંધવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નામ અશોક એક્સપાન્શન ઓપનકાસ્ટ કોલસા ખાણ પ્રોજેક્ટ (OCP) છે. તેની વાર્ષિક મહત્તમ ઉત્પાદન ક્ષમતા બે કરોડ ટન રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચતરા જિલ્લાના નોર્થ કરણપુરા કોલફિલ્ડમાં આવેલો છે અને ચતરા સાઉથ ફોરેસ્ટ ડિવિઝન હેઠળ આવે છે. પ્રોજેક્ટનો વિસ્તાર હાલની ઓપનકાસ્ટ ખાણની પશ્ચિમ દિશામાં કરવામાં આવશે.

વન સલાહકાર સમિતિએ ખાણકામ શરૂ થાય તે પહેલાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે સ્થળ વિશેષ વન્યજીવ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ યોજનાને ઝારખંડના મુખ્ય વન્યજીવ વોર્ડનની મંજૂરી લેવી પડશે. તેમાં ગામડાંના સ્તરે અમલમાં મૂકી શકાય તેવા ઉપાયોનો પણ સમાવેશ કરવો પડશે.

વન્યજીવો સાથે વધી રહેલો સંઘર્ષ

હવે જે વન જમીન ખાણકામ માટે ફાળવવાની દરખાસ્ત છે, ત્યાં પણ હાથીઓની વસ્તી છે. આવી સ્થિતિમાં ખાણકામના વિસ્તરણથી હાથીઓના કુદરતી રહેઠાણને નુકસાન થવાની સાથે માનવ-હાથી સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.