દિલ્હી–NCRમાં AQI 400 પાર, GRAP-3 લાગુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે વાયુ ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચતાં મંગળવારે દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3)ના ત્રીજા તબક્કા હેઠળ કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ જણાવ્યું હતું કે આ નિર્ણય દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સોમવારના 362માંથી મંગળવાર સવારે 425 થઈ જવાથી લેવામાં આવ્યો હતો.

દિલ્હીની વાયુ ગુણવત્તા ધીમી પવન, સ્થિર વાતાવરણ અને પ્રતિકૂળ હવામાન સ્થિતિને કારણે ખરાબ થઈ છે. ત્રીજા તબક્કાના પ્રતિબંધોમાં બિનઆવશ્યક બાંધકામ કાર્યો પર પ્રતિબંધ તથા પથ્થર તોડતી મશીનો અને ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સામેલ છે. આ પ્રતિબંધો GRAPના પહેલા અને બીજા તબક્કા હેઠળ લાગુ કરાયેલા ઉપાયો ઉપરાંત છે.ત્રીજા તબક્કા હેઠળ ધોરણ પાંચ સુધીની શાળાઓને હાઇબ્રિડ મોડમાં ચલાવવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પસંદ કરવાની છૂટ છે. આ તબક્કા હેઠળ દિલ્હી અને આસપાસના NCR જિલ્લાના વિસ્તારોમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ કારો (ચાર-ચક્રી વાહનો)ના ઉપયોગ પર પ્રતિબંધ છે. દિવ્યાંગ વ્યક્તિઓને આમાંથી છૂટ આપવામાં આવી છે.

શિયાળાની ઋતુમાં દિલ્હી-NCRમાં GRAP હેઠળ પ્રતિબંધો લાગુ થાય છે, જે વાયુ ગુણવત્તાને ચાર તબક્કામાં વહેંચે છે:

 તબક્કો-1 (ખરાબ, AQI 201-300)

 તબક્કો-2 (ખૂબ જ ખરાબ, AQI 301-400)

 તબક્કો-3 (ગંભીર, AQI 401-450)

 તબક્કો-4 (અતિ ગંભીર, AQI 450થી ઉપર)

 

પ્રતિકૂળ હવામાન, વાહનોથી થતા ઉત્સર્જન, ધાનની પરાળી સળગાવવી, પટાકડા તથા અન્ય સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતોને કારણે શિયાળામાં દિલ્હી-NCRની વાયુ ગુણવત્તા ખતરનાક સ્થિતિએ પહોંચી જાય છે.

CPCBના આંકડા મુજબ આનંદ વિહારનો AQI 412, અલિપુરનો 442 અને બવાના ખાતે 462નો સર્વોચ્ચ સ્તર નોંધાયો. ચાંદની ચોકમાં AQI 416 નોંધાયો. જ્યારે આર.કે.પુરમ અને પતપડગંજમાં ક્રમશઃ 446 અને 438 નોંધાયા. સોનિયા વિહારમાં પણ 433નો ‘ગંભીર’ AQI નોંધાયો, જે સમગ્ર શહેરમાં પ્રાણઘાતક વાયુ ગુણવત્તાનું સંકેત આપે છે.