દિલ્હીમાં AQI 482એ પહોંચતાં દિવાળીમાં કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અનેક પ્રતિબંધો અને પગલાં લેવા છતાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં AQI 482એ પહોંચ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યાનુસાર દિલ્હી સરકારે બગડતી હવાની ગુણવત્તા (AQI)ને નિયંત્રિત કરવા માટે યોજના તૈયાર કરી છે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે દિવાળી અને છઠ પૂજા બાદ જો પ્રદૂષણનું સ્તર વધશે તો કૃત્રિમ વરસાદ (Artificial Rain) કરાવવાની તૈયારી છે. છેલ્લા 15 દિવસમાં દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ માટે બે ટ્રાયલ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. દિલ્હીના એરપોર્ટ નજીક પણ કૃત્રિમ વરસાદની એક ટ્રાયલ કરવામાં આવી હતી.

આ ટ્રાયલ અને ક્લાઉડ સીડિંગ (Cloud Seeding)ની પ્રક્રિયા આશરે 30,000 મીટરની ઊંચાઈએ કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા 10,000 મીટરની ઊંચાઈએ કરવામાં આવી હતી.

ગયા વર્ષે પણ ક્લાઉડ સીડિંગ કરાયું હતું

દિલ્હીમાં પ્રદૂષણ અને સ્મોગની સમસ્યાનો સામનો કરવા માટે ગયા વર્ષે 28 ઓક્ટોબરે પણ કૃત્રિમ વરસાદ કરાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના પર્યાવરણ વિભાગે IIT કાનપુરના સહયોગથી હવા પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ કરાવ્યું હતું.

દિલ્હીના પ્રદૂષણગ્રસ્ત વિસ્તારો બુરાડી, મયૂર વિહાર અને કરોલ બાગ ઉપરનાં વાદળોમાં ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન 10 કિલો સિલ્વર આયોડાઇડ, સામાન્ય મીઠું અને રોક સોલ્ટના મિશ્રણને ફ્લેર દ્વારા વાદળોમાં છોડવામાં આવ્યું હતું. જોકે આ પ્રયાસમાં પણ અપેક્ષા મુજબ સફળતા મળી નહોતી.

;

દિલ્હી સરકારનો વિન્ટર એક્શન પ્લાન

દિલ્હી સરકારે શિયાળામાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે અગાઉથી જ વિન્ટર એક્શન પ્લાન લાગુ કર્યો હતો. 1 નવેમ્બરથી દિલ્હી બહારનાં BS-4 વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાર્કિંગ ફીમાં પણ લગભગ બમણો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારી અને ખાનગી કચેરીઓના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ પગલાં છતાં હવા પ્રદૂષણમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. દિલ્હીમાં શિયાળાની શરૂઆત થતાં જ પરાળી સળગાવવાની ઘટનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે સ્મોગની સ્થિતિ સર્જાય છે. પરિણામે હવા ઝેરી બની જાય છે અને લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે.