શું બંગાળમાં એક કરોડ રોહિંગ્યા અને બાંગ્લાદેશી રહે છે?

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ (EC) દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ પશ્ચિમ બંગાળ માટે જાહેર કરાયેલી નવી ડ્રાફ્ટ મતદાર યાદીઓ રાજકીય ટકરાવનો નવો મુદ્દો બની છે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આ ડ્રાફ્ટ મતદાર યાદીઓનો ઉપયોગ કરીને ભાજપના અગાઉના દાવાને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપે દાવો કર્યો હતો કે રાજ્યમાં એક કરોડ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ગેરકાયદે રીતે મતદારો તરીકે યાદીમાં નોંધાયેલા છે. જોકે નકલી મતદારો તરીકે ઓળખવામાં આવેલા લોકોની સંખ્યા 1,83,328 બતાવવામાં આવી છે.રાજ્યમાં 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં મૃત્યુ, કાયમી સ્થળાંતર, ડુપ્લિકેશન અને ફોર્મ ન જમા કરાવવાનાં કારણોસર દૂર કરાયેલાં નામોની વિગતો આપવામાં આવી છે. જો કે SIR પછી 58 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યાં છે, પરંતુ ચૂંટણી પંચના આંકડાઓ દર્શાવે છે કે નકલી મતદારોની સંખ્યા ભાજપના નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવેલા દાવા કરતાં ઘણી ઓછી છે.

ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા પ્રવાસીઓ વસવાટ કરે છે, જેમણે ભૂતકાળમાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કર્યાં છે. તેમણે આવા મતદારો સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની ચૂંટણી પંચને અપીલ કરી હતી.

TMCએ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલના પ્રવક્તા કૃષ્ણાનુ મિત્રાએ કહ્યું હતું કે  મતદાર યાદીઓમાં લગભગ 58 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. BSFના આંકડાઓ અનુસાર આશરે 4000 લોકો હાકિમપુર સીમા માર્ગે બાંગ્લાદેશ પરત ગયા છે. અમને મળતી માહિતી મુજબ લગભગ 80 ટકા મુસ્લિમ બહુલ મતવિસ્તારોમાં નામ દૂર કરવાની સરેરાશ દર 0.6 ટકા છે, જ્યારે મતુઆ બહુલ વિસ્તારોમાં આ દર લગભગ 9 ટકા છે.