સેના, સરકારે પહેલગામનો પૂરી તાકાતથી જવાબ આપ્યોઃ સંઘપ્રમુખ

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે પોતાનો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. વિજયાદશમીના દિવસે 1925માં સંઘની સ્થાપના થઈ હતી અને ત્યારથી સંઘ વિજયાદશમી ઉત્સવ ઊજવતો આવ્યો છે. આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ છે અને 2025 વિજયાદશમીથી 2026 વિજયાદશમી સુધી સંઘ શતાબ્દી વર્ષ ઊજવશે. નાગપુરના રેશમબાગના મેદાનમાં 21,000 સ્વયંસેવકોની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

RSSપ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ પ્રસંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે પાડોશી દેશોમાં તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હિંસાથી પરિસ્થિતિ બદલાતી નથી, માત્ર થોડા સમય માટે ઊથલપાથલ થાય છે. બદલાવ તો લોકશાહી માર્ગોથી જ આવે છે. રાષ્ટ્રપિતાને યાદ કરતાં સંઘપ્રમુખે કહ્યું કે તેમણે સંપ્રદાયવાદ સામે સમાજની રક્ષા કરી. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધીજીનું યોગદાન અવિસ્મરણીય છે.તેમણે કહ્યું હતું કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પછી નેપાળમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક પ્રશાસન જનતાપ્રતિ સંવેદનશીલ નથી હોતું અને જનતાની માગણીઓનો વિચાર કર્યા વગર કાર્ય કરે છે. અસંતોષ રહે છે, પરંતુ આ રીતે અસંતોષ વ્યક્ત થવો કોઈના લાભનો નથી. હિંસા અને વિનાશને ડૉ. આંબેડકરે અરાજકતા કહી છે.

તેમણે કહ્યું હતું કે વ્યક્તિ અને વ્યક્તિત્વ નિર્માણથી સમાજમાં સુધારો થશે અને સમાજથી રાષ્ટ્ર તથા વિશ્વ નિર્માણ આગળ વધશે. દુનિયામાં પરિવાર અને સમાજની વ્યવસ્થા ખલેલમાં પડી ગઈ છે. માત્ર ભારતમાં એ હજી બચેલી છે, એને જાળવી રાખવી પડશે.તેમણે કહ્યું હતું કે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો. 26 ભારતીયોની તેમની ધાર્મિક ઓળખ પૂછીને હત્યા કરવામાં આવી. જેને કારણે દેશમાં દુખની લહેર ફેલાઈ. પરંતુ સેના અને સરકારે જોરદાર જવાબ આપ્યો. સેનાનું શૌર્ય અને સમાજની એકતાનું ઉદાહરણ સ્થાપિત થયું.

હિંદુ સમાજે એકજૂટ રહેવું પડશે

હિંદુ સમાજને એકજૂટ રહેવું પડશે. હિંદુ સમાજને જવાબદાર અને જવાબદેહી બનવું પડશે. આપણને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે. હિંદુ સમાજે દુનિયાને ઘણું આપ્યું છે. ભારત પ્રાચીન હિંદુ રાષ્ટ્ર છે. મજબૂત હિંદુ સમાજ સુરક્ષાની ખાતરી છે. જે બીજાં ધર્મોએ નથી આપ્યું, એ હિંદુએ આપ્યું છે.