કાનપુરઃ પોલીસે ગુરુવારે નાણાકીય છેતરપિંડીના એક મોટા રેકેટનો ભાંડો ફોડતાં તેના માસ્ટરમાઈન્ડ મહફૂઝ અલી ઉર્ફે ‘પપ્પુ છૂરી’ની ધરપકડ કરી છે. જાજમઉ વિસ્તારમાંથી ઝડપાયેલો આ આરોપી નકલી કંપનીઓ બનાવી 1600 કરોડ રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ અને ટેક્સ ચોરીના કૌભાંડનો મુખ્ય આરોપી છે.
મજૂરોને નામે શેલ કંપનીઓ અને 100 બેંક ખાતાં
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગ ખૂબ ચાલાકીથી કામ કરતી હતી. તેઓ ઓછા ભણેલા મજૂરોને લાલચ આપીને તેમના પેન કાર્ડ મેળવી લેતા અને તેમને નામે નકલી કંપનીઓ રજિસ્ટર કરાવતા. ચકેરી પોલીસ, સાયબર સેલ અને સર્વેલન્સ યુનિટની સંયુક્ત કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે માત્ર ‘અફીસા એન્ટરપ્રાઇઝસ’ નામની એક કંપની મારફતે જ 146 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. મહફૂઝે પોતાના પરિવારના સભ્યોને નામે આશરે 68 બેંક ખાતાં પણ ખોલાવ્યાં હતાં. પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં અત્યાર સુધી 16 બેંકોનાં 100થી વધુ ખાતાઓ મારફતે 3200 કરોડ રૂપિયાથી વધુનાં ટ્રાન્ઝેક્શન સામે આવ્યાં છે.
સ્ક્રેપ અને કતલખાનાના ધંધા સાથે જોડાયેલું છે કનેક્શન
પોલીસ કમિશનર રઘુબીર લાલે શુક્રવારે કેસનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ રેકેટનો ઉપયોગ મુખ્યત્વે સ્ક્રેપ (ભંગાર) અને કતલખાનાના ધંધા સાથે જોડાયેલા લોકો દ્વારા પૈસા ફેરવવા માટે થતો હતો. મહફૂઝ આ નકલી ખાતાઓમાં રૂપિયા મગાવતો અને પછી રોકડ ઉપાડી પોતાનું કમિશન કાપીને પાછા આપતો હતો. આ સમગ્ર ખેલ GST ચોરી, ઇન્કમ ટેક્સ ફ્રોડ અને હવાલા મારફતે ચલાવવામાં આવતો હતો.
વકીલ ફિરોઝ ખાન છે અસલી સિન્ડિકેટનું દિમાગ
પોલીસે આ સિન્ડિકેટના અસલી માસ્ટરમાઈન્ડ તરીકે ફિરોઝ ખાન નામના એક વકીલની ઓળખ કરી છે. ફિરોઝ જ આ નકલી ફર્મો માટે GST રજિસ્ટ્રેશન અને અન્ય કાનૂની દસ્તાવેજો તૈયાર કરાવતો હતો. પોલીસ હવે ફિરોઝ અને તેના અન્ય સાથીદારોની શોધમાં લાગી છે. મહફૂઝ અલી સામે અગાઉથી જ છ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
દેશભરમાં ફેલાયેલી છે જાળ
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના તાર માત્ર ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત નથી, પરંતુ પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે.

