વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરને મળી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ધાકડ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગના ક્રિકેટ કરિયરમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ શનિવારે વિશાખાપટ્ટનમ ખાતે 8 October થી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ‘વીણુ માંકડ ટ્રોફી’ માટે દિલ્હીની અંડર-19 ટીમની જાહેરાત કરી છે, જેમાં 18 વર્ષીય આર્યવીર સેહવાગને ટીમની કમાન સોંપવામાં આવી છે. આર્યવીર આ જ મહિનાની 19 તારીખે 19 વર્ષનો થશે. પિતાની જેમ જ તે પણ એક આક્રમક ઓપનિંગ બેટ્સમેન છે. પોતાની રમતમાં સતત સુધારો કરી રહેલા આર્યવીર માટે કોઈ મોટી ટીમનું સુકાનીપદ સંભાળવાનો આ પ્રથમ અનુભવ હશે, જે તેના ભવિષ્યના ક્રિકેટ કરિયર અને લીડરશીપ ક્વોલિટી દર્શાવવા માટે એક સુવર્ણ તક સમાન છે.

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે કર્યું હતું ડેબ્યૂ

આર્યવીર સેહવાગે તાજેતરમાં જ ભારતીય અંડર-19 ટીમમાં સ્થાન મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી હતી. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે રમાયેલી 3 યુથ વનડે મેચોની શ્રેણીમાં તેણે અનુક્રમે 28, 47 અને 34 રન બનાવીને કુલ 109 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું.

297 રનની તોફાની ઈનિંગ્સથી ચર્ચામાં આવ્યો હતો

ઘરેલુ ક્રિકેટમાં આર્યવીરનું પ્રદર્શન ખૂબ જ આકર્ષક રહ્યું છે. 2024 ની કૂચ બિહાર ટ્રોફીમાં મેઘાલય સામે તેણે 297 રનની ભવ્ય ઈનિંગ્સ રમીને સમગ્ર દેશના ક્રિકેટ રસિકો અને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ સિવાય તે દિલ્હી પ્રીમિયર લીગ (DPL) માં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ અને વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશતા પહેલા તેણે લગભગ 3 વર્ષ સુધી જૂનિયર અને ઘરેલુ સ્તરે સખત મહેનત કરી છે.

દિલ્હીની 16 સભ્યોની અંડર-19 ટીમ

આર્યવીર સેહવાગ (કેપ્ટન), તન્મેય ચૌધરી, અર્ણવ બુગ્ગા (વાઈસ કેપ્ટન), ધન્યા નકરા, ઉદય ચાવલા, ગર્વ કુમાર, તરુણ સિંહ (વિકેટકીપર), અભિરાજ ગગન સિંહ (વિકેટકીપર), રુદ્ર દેવ યાદવ, પ્રદ્યુમન સનન, આર્યન શર્મા, પાર્થ રાજ, ઓજસદીપ સિંહ, શાંતનુ યાદવ, કિરીત કૌશિક, વરુણ વંજાણી.