નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં સાયબર છેતરપિંડીનો એક વધુ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં સેક્ટર-15માં રહેતા એક નિવૃત્ત IAS અધિકારીને ઠગોએ નિશાન બનાવ્યા. ઓવરસ્પીડિંગ ચલણને બહાનું બનાવી ઠગોએ માત્ર 500 રૂપિયાનો દંડ હોવાનું કહ્યું, પરંતુ અધિકારીના ખાતામાંથી લગભગ 1.96 લાખ રૂપિયા ઉડાવી લીધા. આ આખી છેતરપિંડી એક નકલી APK ફાઇલ મારફતે કરવામાં આવી હતી, જેને ચલણની નકલ હોવાનું કહીને મોકલવામાં આવી હતી.
પીડિત અધિકારીના મોબાઇલ પર વોટ્સએપ દ્વારા એક મેસેજ આવ્યો હતો, જેમાં લખેલું હતું કે તેમને નામે ઓવરસ્પીડિંગ માટે ચલણ છે અને 500 રૂપિયાનું દંડ ભરવાનો છે. મેસેજમાં APK ફાઇલ ડાઉનલોડ કરવા અને આપેલી લિંક દ્વારા ઓનલાઇન ચુકવણી કરવાની વાત હતી. મેસેજ બિલકુલ સત્તાવાર ચલણ જેવો લાગતો હોવાથી અધિકારીને કોઈ શંકા ગઈ નહોતી અને તેમણે લિંક ખોલી દીધી.
ક્રેડિટ કાર્ડથી 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
તેમણે લિંક દ્વારા ચુકવણી પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમની પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માગવામાં આવી હતી. અધિકારીએ પોતાનું અમેરિકન એક્સપ્રેસ કાર્ડની માહિતી ભરી અને ચુકવણી માટેનો ઓનલાઇન પાસવર્ડ પણ દાખલ કર્યો. ત્યાર બાદ ફાઇલ અચાનક બંધ થઈ ગઈ. શરૂઆતમાં તેમને લાગ્યું કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, પરંતુ થોડા સમય બાદ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેમના ક્રેડિટ કાર્ડમાંથી લગભગ 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. ત્યારે તેમને સમજાયું કે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બની ગયા છે.
છેતરપિંડીની જાણ થતાં જ અધિકારીએ તરત જ કાર્ડ સર્વિસ સેન્ટર પર ફોન કરીને પોતાનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું. એ સાથે જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી અને સાયબર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. જોકે, તાત્કાલિક કાર્યવાહી છતાં રકમ પરત મળી શકી નહીં. કાર્ડ જારી કરનારી કંપનીએ એવું કહીને રિફંડ આપવાનો ઇનકાર કર્યો કે આ લેવડદેવડ ગ્રાહકની સંમતિથી કરવામાં આવી છે, તેથી તેને ફ્રોડ ટ્રાન્ઝેક્શન ગણાવી શકાય નહીં.


