ખાંડ મોંઘી થતાં મીઠાઈના ભાવ વધ્યા, ખાદ્ય તેલ, શાકભાજીએ પણ બગાડ્યું બજેટ

નવી દિલ્હીઃ ખાંડના વધતા ભાવની અસર હવે રસોડાથી લઈને મીઠાઈ અને મુરબ્બા સુધી જોવા મળી રહી છે. બજારમાં ખાંડમાંથી બનતી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મીઠાઈ, મુરબ્બા અને ગુલકંદના ભાવમાં રૂ. 50થી રૂ. 100 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊથલપાથલની અસર ખાદ્ય તેલો પર પણ પડી છે. છેલ્લા એક મહિનામાં ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં આશરે પાંચથી 10 ટકાનો વધારો નોંધાયો છે.

ખાંડના ભાવ વધવાથી તેમાંથી બનતી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ છે. ગયા મહિને રૂ. 175માં 300 ગ્રામ મળતો આંબળાનો મુરબ્બો હવે રૂ. 224માં વેચાઈ રહ્યો છે. સફરજનનો મુરબ્બો રૂ. 224થી વધીને રૂ. 319 પ્રતિ 250 ગ્રામ થઈ ગયો છે. જ્યારે રૂ. 125માં 220 ગ્રામ મળતો ગુલકંદ હવે રૂ. 150માં વેચાઈ રહ્યો છે. દિલ્હીના અનેક મોટા મીઠાઈ વેપારીઓએ પણ ખાંડના વધેલા ખર્ચને કારણે મીઠાઈના ભાવમાં વધારો કર્યો છે.

બીજી તરફ, ખાદ્ય તેલના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં તેજી જોવા મળી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક પરિસ્થિતિ, ડોલરની મજબૂતી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની અસર તેલ બજાર પર પડી છે. સોયાબીન તેલનો 15 લિટરનો ટિન, જે અગાઉ આશરે રૂ. 2425માં મળતો હતો, તે હવે વધીને રૂ. 2470થી રૂ. 2475 સુધી પહોંચી ગયો છે.

મગફળીના તેલના ભાવમાં પણ વધારો થયો છે. તેની કિંમત રૂ. 2,750થી વધીને આશરે રૂ. 2,900 સુધી પહોંચી ગઈ છે. ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના રાષ્ટ્રીય મહામંત્રી હેમંત ગુપ્તાના જણાવ્યાનુસાર ભારતમાં દર વર્ષે આશરે 250 લાખ ટન ખાદ્ય તેલનો વપરાશ થાય છે, જેમાંથી લગભગ 160થી 165 લાખ ટનની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. અતિશય વરસાદ અને અન્ય અનેક કારણોસર ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે. એક મહિના પહેલાં છૂટક બજારમાં ડુંગળી રૂ. 30થી રૂ. 35 પ્રતિ કિલોના ભાવે મળતી હતી, જે હવે વધીને રૂ. 50થી રૂ. 60 પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે રૂ. 35થી રૂ. 40 પ્રતિ કિલો મળતા ટામેટાના ભાવ હવે રૂ. 40થી રૂ. 50 વચ્ચે પહોંચી ગયા છે. બજારમાં ધાણાની ભાજી રૂ. 20 પ્રતિ 100 ગ્રામના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત શિમલા મરચાં, ગવારની શીંગ, તુરીયા, દૂધી સહિતની લીલી શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.