Asia Cup: ભારત ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવી ચેમ્પિયન બન્યું

8 વર્ષના લાંબા ઈંતઝાર બાદ ભારતીય હોકી ટીમે ફરીથી એશિયાનો તાજ જીતી લીધો છે. હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ રવિવાર (7 સપ્ટેમ્બર)ના રોજ રમાયેલી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને પુરુષ એશિયા કપ 2025 પોતાના નામે કર્યો. આ સાથે જ ભારતે ચોથી વાર આ ખિતાબ જીત્યો અને સાથે જ FIH હોકી વર્લ્ડ કપ 2026 (નેધરલેન્ડ અને બેલ્જિયમ) માટે સીધી એન્ટ્રી મેળવી.

શરૂઆતથી જ ભારતનો દબદબો

રાજગીરમાં પહેલી વાર યોજાયેલા આ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનો દમદાર પરફોર્મન્સ દેખાડ્યો. ફાઇનલના પહેલી જ મિનિટમાં સુખજીતે ગોલ કરી ભારતને લીડ અપાવી દીધી. ત્યારબાદ હાફ ટાઇમ પહેલા દિલપ્રીત સિંહે સ્કોર 2-0 કર્યો. ત્રીજો ગોલ પણ દિલપ્રીતના સ્ટિકમાંથી 45મી મિનિટે આવ્યો, જ્યારે 50મી મિનિટે અમિત રોહિદાસે ચોથી વાર બોલને જાળમાં ધકેલી દીધો. કોરિયાએ 57મી મિનિટે એક ગોલ કર્યો, પણ ત્યાં સુધી મેચનો નતિજાનો અંદાજ સ્પષ્ટ થઈ ગયો હતો.

આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. પૂલ સ્ટેજમાં ત્રણેય જીત્યા, સુપર-4માં બે જીત્યા અને એક મેચ (કોરિયા સામે) ડ્રો રહ્યો. અંતે ફાઇનલમાં પણ ભારતીય ખેલાડીઓએ પ્રભાવશાળી જીત નોંધાવી.

ઇતિહાસમાં નવી સિદ્ધિ

આ જીત સાથે ભારતે ચોથી વાર એશિયા કપ જીત્યો. આ પહેલાં ભારતે 2017માં છેલ્લી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. દક્ષિણ કોરિયાએ સૌથી વધુ 5 વખત આ ખિતાબ જીત્યો છે. ભારતે ફાઇનલ મુકાબલાઓમાં પણ કોરિયા સામે 2-2નો રેકોર્ડ સમાન કરી દીધો છે.