જાપાન : એશિયન ગેમ્સ 2026માં અમદાવાદની શૂટર એલાવેનિલ વલારિવને શાનદાર પ્રદર્શનથી ભારત અને ગુજરાતનું નામ વૈશ્વિક મંચ પર રોશન કર્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં એલાવેનિલે વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ એમ બંને શ્રેણીમાં સિલ્વર મેડલ મેળવીને બેવડી સફળતા હાસિલ કરી છે.
મહિલા 10m એર રાઇફલની વ્યક્તિગત ફાઇનલમાં એલાવેનિલે છેલ્લી ક્ષણ સુધી ટક્કર આપતાં 252.4 પોઇન્ટ સાથે રજત પદક પોતાના નામે કર્યો હતો. આ પહેલાં, તેણે સોનમ મસ્કાર અને વિદર્શા વિનોદ સાથે મળીને ટીમ ઇવેન્ટમાં 1898.0 ના સ્કોર સાથે ભારતને ગેમ્સનો પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આધુનિક તાલીમ સુવિધાઓ અને પ્રોત્સાહક નીતિઓના પરિણામે રાજ્યના અનેક યુવા ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતી રહ્યા છે. એલાવેનિલની આ ઐતિહાસિક સિદ્ધિ તેમની સખત મહેનત અને ગુજરાતના સ્પોર્ટ્સ કલ્ચરના સફળ વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.




