એશિયન ગેમ્સ 2026 ની શરૂઆત ભારત માટે અત્યંત આશાસ્પદ અને સફળ રહી છે. પ્રથમ દિવસે 2 સિલ્વર મેડલ જીત્યા બાદ, 21 September ના રોજ સ્પર્ધાના બીજા દિવસે પણ ભારતીય એથલીટોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. પુરુષોની 10m એર રાઈફલ શૂટિંગ ઈવેન્ટ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) માં ભારતીય ખેલાડીઓએ સતત મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

શૂટિંગમાં હિમાંશુને સિલ્વર, રુદ્રાક્ષને બ્રોન્ઝ મેડલ
પુરુષોની 10m એર રાઈફલ વ્યક્તિગત ફાઈનલ સ્પર્ધા ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતના હિમાંશુ ઢિલ્લોને 252.4 અંક મેળવીને બીજું સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ભારતના જ રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલે 230.9 અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ચીનના શેંગ લિહાઓએ 254.2 અંક સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો.
10m એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ
વ્યક્તિગત ઈવેન્ટ્સ સિવાય ટીમ ઈવેન્ટમાં પણ ભારતીય શૂટરોએ કમાલ કરી બતાવી હતી. રુદ્રાક્ષ પાટીલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લોનની ત્રિપુટીએ 10m એર રાઈફલ ટીમ સ્પર્ધામાં 1890.1 નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ચીન, ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની આ કડક ટક્કરમાં ભારતીય ત્રિપુટીએ પોતાના આક્રમક નિશાનાથી દેશને મેડલ અપાવ્યો હતો.

સુચિકા તરિયાલે MMA માં રચ્યો નવો ઈતિહાસ
આ સિવાય ભારત માટે સૌથી મોટી અને ઐતિહાસિક ક્ષણ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) માંથી આવી હતી. ભારતની સુચિકા તરિયાલે મહિલાઓની 60kg ટ્રેડિશનલ MMA સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સેમિફાઈનલમાં સિંગાપોરની તેઓ હુઈ હૂન સામે 2-0 થી પરાજય થવા છતાં, સુચિકાએ બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન ગેમ્સના ઈતિહાસમાં MMA રમતમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય એથલીટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ભારતીય દળની મેડલ જીતવાની ઝડપ હવે સતત વધી રહી છે અને આગામી દિવસોમાં ક્રિકેટ સહિતની અન્ય ઈવેન્ટ્સમાંથી પણ ગોલ્ડ મેડલની મોટી આશાઓ સેવાઈ રહી છે.


