વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાશે આસામ

ગાંધીનગર: રાજ્ય સરકારના આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગુજરાત અને આસામ વચ્ચેના આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ મુલાકાત ગોઠવવામાં આવી. આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027’માં ઉપસ્થિત રહેવા માટે આસામના મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું.આ ઉચ્ચસ્તરીય મુલાકાતમાં ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંઘ (IAS) અને ડેલિગેશનના અન્ય સભ્યો પણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન અવંતિકા સિંઘે આસામ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક સહયોગ અને પરસ્પર રોકાણની તકો વધારવા અંગે સઘન ચર્ચા-વિચારણા કરી હતી.આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે મુજબ આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027’માં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ (ભાગીદાર રાજ્ય) તરીકે સહભાગી થશે. આ વૈશ્વિક મંચ પર આસામ પોતાના વિવિધ ઉદ્યોગો અને રોકાણની વિપુલ તકોનું પ્રદર્શન કરી નવી ભાગીદારીઓ સ્થાપશે. બંને રાજ્યો વચ્ચે વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક વિકાસના નવા દ્વાર ખોલવા માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.