અહમદ, તમે ઓસ્ટ્રેલિયાના હીરો છે… : PM અલ્બેનીઝ

ઓસ્ટ્રેલિયા: સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી સમુદાયના હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ માનવતા અને હિંમતનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે હોસ્પિટલમાં અહેમદ અલ-અહમદની મુલાકાત લીધી, જેમણે આતંકવાદી પાસેથી રાઈફલ છીનવીને ઘણા લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

વડાપ્રધાન અલ્બેનીઝે અહમદને “ઓસ્ટ્રેલિયન હીરો” ગણાવતા કહ્યું, “અહમદ, તમે સાચો ઓસ્ટ્રેલિયન હીરો છે. બીજાઓને બચાવવા માટે તમે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, બોન્ડી બીચ પર તમે આતંકવાદીઓ તરફ દોડી ગયા અને તેને નિઃશસ્ત્ર કર્યો.”

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા, PM અલ્બેનીઝે લખ્યું, “સૌથી ખરાબ સમયમાં, આપણે ઓસ્ટ્રેલિયનોમાં શ્રેષ્ઠ જોઈએ છીએ. રવિવારની રાત્રે આવું જ બન્યું. દરેક ઓસ્ટ્રેલિયન વતી, હું તમારો આભાર માનું છું.”

પિતા-પુત્રની જોડીએ સિડની બીચ પર હુમલો કર્યો

સિડનીના પિતા-પુત્રની જોડી સાજિદ અકરમ અને નવીદ અકરમને હુમલાખોરો તરીકે ઓળખવામાં આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ ગોળી વાગીને મોત થયું હતું, જ્યારે 24 વર્ષીય નવીદ અકરમની હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિર હાલતમાં છે.

નવીદ અકરમની 2019માં પૂછપરછ કરવામાં આવી હતી

વડાપ્રધાન અલ્બેનીઝે પણ પુષ્ટિ કરી હતી કે ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ગુપ્તચર એજન્સી, ASIO એ 2019માં નવીદ અકરમની પૂછપરછ કરી હતી. અલ્બેનીઝેના જણાવ્યા મુજબ, શંકાસ્પદ વ્યક્તિઓ સાથેના જોડાણ માટે ઓક્ટોબર 2019માં નવીદની તપાસ કરવામાં આવી હતી, તપાસ લગભગ છ મહિના ચાલી હતી. તે સમયે, તેને તાત્કાલિક ખતરો માનવામાં આવતો ન હતો.

બંદૂક લાઇસન્સિંગ નિયમો કડક કરવામાં આવશે

આ ઘટના બાદ, સુરક્ષા એજન્સીઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું હુમલો અટકાવી શકાયો હોત. દરમિયાન, સરકારે સંકેત આપ્યો છે કે તે બંદૂક કાયદાઓને વધુ કડક બનાવશે. PM અલ્બેનીઝે અને રાજ્યના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે દેશભરમાં શસ્ત્ર લાઇસન્સ અને શસ્ત્રોની સંખ્યા અંગેના નિયમોમાં એકરૂપતા રહેશે, ખાસ કરીને હુમલાખોર પાસે કાયદેસર રીતે છ શસ્ત્રો હોવાનું બહાર આવ્યા પછી.