અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનમાંથી આશરે 7 કરોડ રૂપિયાની કથિત ચોરીના આરોપો સામે આવ્યા છે. આ મામલે ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), એસએસપી તથા એસઆઈટી (SIT) સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું છે કે તપાસમાં કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં. આ કેસમાં છ મુખ્ય લોકો પર સૌથી વધુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
1. રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ
રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ અગાઉ ચંપત રાયના ડ્રાઇવર હતા અને હાલમાં તેમના સહયોગી તરીકે ઓળખાય છે. અયોધ્યા અને લખનૌમાં તેમની પાસે લગભગ 50 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીએ તેમના ઘરમાંથી સોનું મળ્યાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે અનેક પ્લોટ ખરીદ્યા અને અનેક મોંઘી રેસ્ટોરાંમાં ભાગીદારી કરી હોવાના આરોપ છે.
2. મનીષ યાદવ
ટિન્નુનો ભત્રીજા મનીષ યાદવ દાનપેટીમાં આવેલી નોટોની ગણતરીનું કામ કરતો હતો. તેમના પર પણ દાનની રકમની ગુપચાવ્યાનો આરોપ છે. તેમની સૂચના પરથી 36 લાખ રૂપિયા મળી આવ્યા હોવાની માહિતી છે. SIT તેની પણ પૂછપરછ કરી રહી છે.
3. ગોપાલ રાવ
ગોપાલ રાવ રામ મંદિરના વ્યવસ્થાપકોમાંના એક અને વિશેષ આમંત્રિત સભ્ય છે. મંદિરની જાળવણી, સફાઈ અને દાનપેટીઓમાંથી મળતા ચઢાવાની જવાબદારી તેમની પાસે હતી. તેમના પર આર્થિક ગેરરીતિ અને ચોરીના આરોપો લાગ્યા છે.
4. લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રા
જીજા-સાળા એવા લવકુશ અને અનુકલ્પ દાનપેટીની ગણતરી કરતી ટીમમાં સામેલ હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમની આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હોવાનું કહેવાય છે.
અનુકલ્પે પોતાના ગામમાં ફાર્મહાઉસ બનાવ્યું હોવાનું અને અયોધ્યામાં 65 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું હોવાનું કહેવાય છે. લવકુશ ફૈઝાબાદમાં ઘર બનાવી રહ્યા હતા અને તેમની પાસેથી 10 લાખ રૂપિયા મળી આવ્યા હોવાની માહિતી છે.

5. કે.ડી. તિવારી
મંદિરમાં દાનરૂપે મળતા સોના-ચાંદીના આભૂષણોની જવાબદારી કે.ડી. તિવારી પાસે હતી. તેમના પર 1.5 કરોડ રૂપિયાની જમીન ખરીદવાનો અને લગભગ 5 કરોડ રૂપિયાની સંપત્તિ એકત્રિત કરવાનો આરોપ છે.
6. ડો. અનિલ મિશ્રા
ડૉ. અનિલ મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના સ્થાપક સભ્યોમાંના એક છે. મંદિરના નિર્માણ કાર્ય અને દાન વ્યવસ્થાપન પર નજર રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી તેમની પાસે છે.
અયોધ્યામાં તેમનું ઘર છે અને અવધપુરી વિસ્તારમાં નવું ઘર બની રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં લિફ્ટ પણ લગાવવામાં આવી રહી હોવાનું કહેવાય છે. મંદિરના દાન અને તેના સંચાલનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે, જેના કારણે તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.






