બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાને ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈ પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો છે. આ ઓડિયો મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવ્યો છે અને અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માગણી કરી છે. આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

ઓડિયો મેસેજમાં લોરેન્સ ગેંગના નામે ધમકી
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આયુષ્માન ખુરાનાને મળેલા ઓડિયો મેસેજમાં એક વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગ સાથે જોડાયેલો ગણાવ્યો છે અને કરોડો રૂપિયાની ખંડણી માગી છે.
હાલ પોલીસ આ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં મેસેજ મોકલનાર વ્યક્તિની ઓળખ અને તેના દાવાઓની ખરાઈ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિયોમાં પોતાની ઓળખ આપનાર વ્યક્તિના અવાજની સરખામણી પોલીસ રેકોર્ડમાં રહેલા સંબંધિત આરોપીના અવાજ સાથે કરવામાં આવી રહી છે.
તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ધમકી આપનાર ખરેખર કોઈ ગુનાહિત ગેંગ સાથે સંકળાયેલો છે કે પછી કોઈ વ્યક્તિએ ગેંગના નામનો ઉપયોગ કરીને અભિનેતાને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
તુષાર કપૂરને પણ મળી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અભિનેતા તુષાર કપૂરને પણ આ જ પ્રકારનો ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. તે સમયે મેસેજ મોકલનારે પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી અને રૂ. 5 કરોડની ખંડણી માગી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં તે ઓડિયો ફેક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી પણ લોરેન્સ ગેંગે લીધી હતી. આ મામલે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, ઈ-મેઇલ દ્વારા અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઘટના બાદ અમિતાભ બચ્ચનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
હાલ મુંબઈ પોલીસ આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. મોટા ફિલ્મી કલાકારોને ધમકી આપીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે અને તેની પાછળ કોઈ સંગઠિત ગેંગનો હાથ છે કે પછી કોઈ વ્યક્તિ અલગ-અલગ નામોનો ઉપયોગ કરી રહી છે, તે અંગે તપાસ ચાલી રહી છે.
છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા આયુષ્માન
વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના છેલ્લે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘ઉડતા તીર’માં જોવા મળ્યા હતા. આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં તેમણે એક પાકિસ્તાની એજન્ટની ભૂમિકા ભજવી હતી, જે પોતાની યાદશક્તિ ગુમાવી દે છે. ફિલ્મમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.




