રક્ષાબંધને વિવાદનો અંત: બાબા રામદેવે કંગના રનૌતને મોકલી ભેટ-મીઠાઈ

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આખરે અંત આવ્યો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે યોગગુરુ બાબા રામદેવે જૂની કડવાશ ભૂલીને કંગનાને ભાઈ તરીકે મીઠાઈ અને વિશેષ ભેટ મોકલાવીને સમાધાનનો હાથ લંબાવ્યો છે.

હરિદ્વારમાં મીડિયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે, “અમે બહેન કંગના રનૌતને બાય પોસ્ટ ભેટ અને મીઠાઈ મોકલી રહ્યા છીએ. કોઈપણ કારણોસર દેશમાં પરસ્પર વૈર કે નફરતની ભાવના ન હોવી જોઈએ. જૂના વિવાદોને વિવાદથી નહીં પરંતુ સંવાદથી ઉકેલવા જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું બહેન કંગનાને ફોન કરીને પણ શૂભેચ્છાઓ પાઠવીશ.”

બાબા રામદેવના આ પ્રેમાળ સંદેશ અને ભેટનો સાદો પ્રતિભાવ આપતા કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં ભાજપ સાંસદે લખ્યું, “તહેવારનો દિવસ જ ભૂલચૂક માફ કરવા માટે હોય છે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સરસ વાત કહી કે ‘વિવાદ નહીં પરંતુ સંવાદ થવો જોઈએ’. રક્ષાબંધને હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ બંને સ્વીકારું છું. તમારો ખૂબ ખૂબ આભાર, ઈશ્વર તમને દીર્ઘાયુ આપે.”

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતના એક વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવે તેમની આકરી ટીકા કરી હતી, જેનાથી અભિનેત્રી નારાજ થઈ હતી. જોકે, પવિત્ર રક્ષાબંધનના દિવસે બંને અગ્રણી હસ્તીઓએ પોતાના મતભેદો દૂર કરીને એક સકારાત્મક સંદેશ આપ્યો છે.