બાબરી માળખાનું પુનર્નિર્માણ ક્યારેય નહીં થાયઃ CM યોગી

નવી દિલ્હીઃ બાબરી મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. કાલથી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનું નિર્માણ શરૂ થવાનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં હિંદુ સંગઠનો લખનૌથી મુર્શિદાબાદ તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. એ દરમિયાન CM યોગી આદિત્યનાથે આકરું નિવેદન આપતાં કહ્યું છે કે બાબરી માળખાનું પુનર્નિર્માણ ક્યારેય નહીં થાય, કયામત સુધી પણ બાબરી ઢાંચો બનશે નહીં.

લખનૌના રસ્તા પર ‘મુર્શિદાબાદ ચાલો’ની અપીલ કરતાં ઘણાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. હિંદુ સંગઠનોએ 10 ફેબ્રુઆરીએ મુર્શિદાબાદ પહોંચવાની અપીલ કરી છે. પોસ્ટરોમાં લખાયું છે — ‘હુમાયુ અમે આવી રહ્યા છીએ’, ‘બાબરી ફરીથી તોડીશું’, ‘વહેંચાશો તો કપાશો’, ‘ચાલો મુર્શિદાબાદ’. હવે હિંદુ સંગઠનોના કાર્યકરો બંગાળ તરફ કૂચ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ મંગળવારે બારાબંકી જિલ્લામાં શ્રીરામ જાનકી મંદિરમાં આયોજિત દશમ શ્રીહનુમાન વિરાટ મહાયજ્ઞ અને શ્રી રામાર્ચા પૂજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ પ્રસંગે સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આ સરકાર જે કહે છે તે કરીને બતાવે છે, જેટલું કરે છે એટલું જ કહે છે. અમે કહ્યું હતું કે રામલલ્લા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું. કોઈ શંકા છે? આજે ફરી કહી રહ્યા છીએ કે કયામતના દિવસ સુધી પણ — અને કયામતનો દિવસ તો ક્યારેય આવવાનો નથી — બાબરી ઢાંચાનું પુનર્નિર્માણ ક્યારેય નહીં થાય.”

તેમણે આગળ કહ્યું હતું કે જે લોકો કયામતનો દિવસ આવવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ એ જ રીતે નાશ પામશે, એવો દિવસ ક્યારેય આવવાનો નથી. તેમનાં સપનાંઓને અમે અમારા વારસાનું સન્માન કરતાં, ભારતની ગૌરવશાળી પરંપરા અને સનાતન ધર્મની આ પરંપરાને આગળ વધારતાં જવાબ આપતા રહીશું. જેમ વડા પ્રધાને 25 નવેમ્બરે અયોધ્યા ધામમાં આવી સનાતનના પ્રતીક શ્રીરામ મંદિર પર ભવ્ય કેસરિયા ધ્વજ ફરકાવ્યો હતો, તેમ આ કેસરીયો ધ્વજ હંમેશાં ભારતના ગૌરવને આગળ વધારતો રહેશે.