નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ટીમ ભારતમાં રમશે નહીં, એટલે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને હજુ પણ આશા છે કે ICC પોતાનો નિર્ણય બદલી શકે અને બાંગ્લાદેશની વાજબી માગ સાથે ન્યાય કરશે.
ઢાકામાં BCB, બાંગ્લાદેશના ક્રિકેટરો અને સરકારના સ્પોર્ટ્સ એડવાઈઝર વચ્ચે યોજાયેલી બેઠક બાદ BCB તરફથી આ નિવેદન સામે આવ્યું છે. બુધવારે ICCએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે બાંગ્લાદેશને ભારત આવવું પડશે, નહીં તો તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે. ICCની ચેતવણી બાદ લેવામાં આવેલા નિર્ણય અંગે BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ બુલબુલે જણાવ્યું હતું કે ટીમ વર્લ્ડ કપ તો રમવા માગે છે, પરંતુ ભારતમાં નહીં રમે. બોર્ડે જણાવ્યું છે કે તેઓ પોતાના પક્ષ પર અડગ રહેશે અને ICC સાથે ચર્ચા ચાલુ રાખશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ICCએ ભારતમાંથી અમારી મેચ બીજી જગ્યાએ ખસેડવાની અમારી માગને નકારી દીધી છે. અમને વૈશ્વિક ક્રિકેટની હાલત વિશે ચોક્કસ ખબર નથી. તેની લોકપ્રિયતા ઘટી રહી છે. તેમણે 20 કરોડ લોકોને ક્રિકેટથી દૂર કરી દીધા છે. ક્રિકેટ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે, પરંતુ જો અમારા જેવા દેશ ત્યાં નથી જઈ રહ્યા, તો તે ICCની નિષ્ફળતા છે.
તેમણે કહ્યું હતું કે અમે શ્રીલંકામાં રમવાની અમારી યોજના સાથે ફરી ICC પાસે જઈશું. તેમણે અમને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ વૈશ્વિક સંસ્થા આવું કરી શકે નહીં. ICC 20 કરોડ લોકોને વર્લ્ડ કપ જોવાથી વંચિત કરી દેશે. આ તેમનું નુકસાન થશે. ICC શ્રીલંકાને સહ-યજમાન કહી રહ્યું છે, પરંતુ તે સહ-યજમાન નથી. આ એક હાઈબ્રિડ મોડલ છે. ICC બોર્ડની બેઠકમાં મેં જે કેટલીક વાતો સાંભળી, તે ખરેખર ચોંકાવનારી હતી.


