ઢાકા: બાંગ્લાદેશમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રહસ્યમય સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગ્યા તે સમયનો વીડિયો વાયરલ કે રેકોર્ડ કરવા સાથે કથિત રીતે જોડાયેલા એરફોર્સના પૂર્વ અધિકારી કે.એમ. તાહસિફ શૌરી (૨૮)નો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ લેફ્ટનન્ટ તાહસિફ શૌરી મંગળવારથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. ત્યારબાદ બુધવારે બપોરે તેમનો મૃતદેહ ઢાકાના ઉત્તરાખાન વિસ્તાર નજીક તુરાગ નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકના ખિસ્સામાંથી મળેલા આઈફોન અને ઘડિયાળના આધારે તેમની ઓળખ થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહીદ સુહરાવર્દી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પરિવાર દ્વારા હત્યાના ગંભીર આક્ષેપો:
ઘટના બાદ શૌરીના પરિવારે સત્તાવાળાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને હત્યાનો આક્ષેપ કર્યો છે. શૌરીની પિતરાઈ બહેન મોશફેકા જહાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, “મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. તેનો વાંક શું હતો? શું માત્ર એટલો જ કે તેણે શેખ હસીનાના દેશ છોડવાનો વીડિયો શેર કર્યો હતો?” તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે એરફોર્સમાંથી બરતરફ કર્યા બાદ પણ ગુપ્તચર એજન્સીઓ દ્વારા શૌરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
શેખ હસીનાના પલાયન સાથે શું છે કનેક્શન?
૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ સત્તા છોડીને લશ્કરી હેલિકોપ્ટર અને બાદમાં બાંગ્લાદેશ એરફોર્સના સી-૧૩૦જે વિમાન દ્વારા ભારત તરફ ઉડાન ભરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં શૌરીનું નામ આ વીડિયો રેકોર્ડ કરવા કે શેર કરવા સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશ એરફોર્સ દ્વારા ઓગસ્ટ ૨૦૨૫માં તેમને નિયમો અનુસાર સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યા હતા.
હાલમાં પોલીસ આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને તપાસ ચાલી રહી છે કે આ ડૂબી જવાની દુર્ઘટના છે, આત્મહત્યા છે કે પછી સુયોજિત હત્યા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે શેખ હસીના ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી ચૂક્યા છે.






