બાંગ્લાદેશ: ગારમેન્ટ ઉદ્યોગના કામદારોએ ઊંચા વેતનની માગ સાથે છેલ્લા ત્રણ દિવસથી ભીષણ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. ઢાકા અને ગાઝીપુર સહિતના મુખ્ય ઔદ્યોગિક હબમાં કામદારોએ રસ્તાઓ જામ કર્યા છે, વાહનો અને પોલીસ ચોકીઓમાં તોડફોડ કરી છે તેમજ આગજનીની ઘટનાઓને અંજામ આપ્યો છે. મોંઘવારી અને આર્થિક મંદી વચ્ચે લઘુત્તમ માસિક વેતન વધારીને ૩૦,૦૦૦ ટાકા કરવાની માગ સાથે લાખો કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના કારણે દેશની મુખ્ય નિકાસ સમાન ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે.
આ હિંસક આંદોલનને પગલે વડા પ્રધાન તારિક રહેમાનની સરકારે કડક રૂખ અપનાવ્યો છે. સરકારે આ અશાંતિ પાછળ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ અને “સીમા પારના લોકો”નો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને ડિસેમ્બરમાં શેખ હસીનાની બાંગ્લાદેશમાં સંભવિત વાપસી પહેલાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારે સ્થિતિને કાબૂમાં લેવા બોર્ડ ગાર્ડ બાંગ્લાદેશ (BGB) અને ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી છે, જ્યારે બીજી તરફ મજૂરોની માંગણીઓ ઉકેલવા માટે છ સભ્યોનું વેતન બોર્ડ રચવામાં આવ્યું છે.




