નવી દિલ્હીઃ દેશની તમામ પ્રમુખ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 5-ડે વર્ક વીકની લાંબા સમયથી ચાલી રહેલી માગને લઈને આરપારની લડાઈનું એલાન કર્યું છે. સરકાર અને બેંક મેનેજમેન્ટના ઢીલાશભર્યા વલણના વિરોધમાં બેંક યુનિયનોએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 2026માં દેશવ્યાપી હડતાળનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે.
બેંક કર્મચારીઓની 5-ડે વર્ક વીકની જૂની માગ
UFBUના 23 ઓગસ્ટ, 2026ના સર્ક્યુલર અનુસાર માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) અને યુનિયનો વચ્ચે થયેલા 12મા દ્વિપક્ષી કરાર હેઠળ 5-ડે બેંકિંગ લાગુ કરવા અંગે સહમતી બની હતી. IBAએ આ પ્રસ્તાવની ભલામણ નાણાં મંત્રાલય અને સરકારને પણ મોકલી હતી, પરંતુ છેલ્લાં બે વર્ષથી આ ફાઇલ ઠંડા બસ્તામાં પડી છે. યુનિયનોનું કહેવું છે કે સરકાર પોતાના વચનને તાત્કાલિક પૂર્ણ કરે.
પર્ફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લઈને પણ વિવાદ
5-ડે બેંકિંગ ઉપરાંત યુનિયનો સરકારની સુધારેલી PLI સ્કીમનો પણ વિરોધ કરી રહ્યા છે. યુનિયનોનું કહેવું છે કે IBA સાથે અગાઉ એવી સહમતી થઈ હતી કે ઇન્સેન્ટિવ બેંકના સમગ્ર પ્રદર્શનને આધારે આપવામાં આવશે અને તમામ કર્મચારીઓને સમાન ઇન્સેન્ટિવ ડેઝ મળશે. નવા નિયમ મુજબ સ્કેલ-IV અને તેનાથી ઉપરના વરિષ્ઠ અધિકારીઓ માટે બેઝિક પે + DAના 365 દિવસ સુધીના ભારે ઇન્સેન્ટિવનું માળખું બનાવવામાં આવ્યું છે, જ્યારે સ્કેલ-III સુધીના અધિકારીઓ માટે આ મહત્તમ 15 દિવસનું જ નક્કી કરવામાં આવ્યું છે. યુનિયનોએ આ વ્યવસ્થાને સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ ગણાવી છે.
હડતાળનું સંપૂર્ણ શેડ્યૂલ
UFBUમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને AIBOC સહિત કુલ 7 મોટાં યુનિયનો સામેલ છે. તેમણે તબક્કાવાર દેશવ્યાપી હડતાળની તારીખો જાહેર કરી છે:
11 સપ્ટેમ્બર 2026:
એક દિવસની દેશવ્યાપી સાંકેતિક હડતાળ.
28થી 30 સપ્ટેમ્બર 2026:
સતત 3 દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ.
26 ઓક્ટોબર 2026થી:
જો સરકાર ત્યાં સુધી માગ નહીં સ્વીકારે તો અનિશ્ચિતકાલીન હડતાળ.
જો સરકાર અને બેંક યુનિયનો વચ્ચે ટૂંક સમયમાં કોઈ સમાધાન નહીં થાય, તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન બેંકિંગ સેવાઓ ખાસ કરીને બ્રાન્ચ સ્તરની સેવાઓને ભારે અસર થઈ શકે છે. જોકે ડિજિટલ સેવાઓ જેમ કે UPI અને નેટ બેંકિંગ ચાલુ રહેશે, પરંતુ ચેક ક્લિયરન્સ અને રોકડ જમા કરાવવા જેવી બ્રાન્ચ સંબંધિત કામગીરી માટે હડતાળની તારીખોને ધ્યાનમાં રાખીને અગાઉથી આયોજન કરવું યોગ્ય રહેશે.




