બેંકિંગ ભરતી પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશઃ ચાર આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ દેશભરમાં બેંકિંગ ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ઉમેદવારોના સ્થાને અન્ય લોકો દ્વારા પરીક્ષા આપતાં એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. CBIએ દિલ્હી, બિહાર, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં સક્રિય આ નેટવર્કના ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં CGST ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ

CBIના જણાવ્યાનુસાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (આઈબીપીએસ)ની ફરિયાદને આધારે FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ CBIની મુંબઈ સ્થિત સ્પેશિયલ ટાસ્ક બ્રાન્ચ કરી રહી છે.

અનેક રાજ્યોમાં એકસાથે દરોડા

CBIની સ્પેશિયલ ટાસ્ક બ્રાન્ચે દિલ્હી, બિહાર, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં સંકલિત રીતે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગેંગના ચાર મુખ્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બેંકિંગ ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કામાં અસલ ઉમેદવારોનાs સ્થાને પોતે પરીક્ષા આપવા અને ઇન્ટરવ્યુમાં હાજર રહેતા હતા. તેઓ ઉમેદવારોને સ્થાને શારીરિક રીતે હાજર રહી પસંદગી પ્રક્રિયામાં છેતરપિંડી કરતા હતા.

મહેનતુ ઉમેદવારોના હક પર તરાપ

CBIના જણાવ્યાનુસાર આ ગેંગની પ્રવૃત્તિઓને કારણે જાહેર પરીક્ષાઓની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર અસર થઈ હતી. પસંદગી પ્રક્રિયામાં ખોટી રીતે સામેલ થઈને આરોપીઓએ એવા વાસ્તવિક અને મહેનતુ ઉમેદવારોની તકોને નુકસાન પહોંચાડ્યું હતું, જેઓ પોતાની યોગ્યતાને આધારે ભરતી મેળવવા માટે તૈયારી કરી રહ્યા હતા. CBIએ જણાવ્યું છે કે આ કેસની તપાસ હજુ ચાલુ છે. આ રેકેટમાં સામેલ અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.