BCCI નો મોટો નિર્ણય: હવે સિલેક્શન કમિટીની તમામ બેઠકોમાં હાજર રહેશે VVS લક્ષ્મણ

ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસ અને સિલેક્શનને લઈને સર્જાતી અસમંજસને કાયમ માટે દૂર કરવાના હેતુથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે સેન્ટર ઓફ એક્સીલન્સ (CoE) ના ક્રિકેટ હેડ VVS લક્ષ્મણ હવેથી સિનિયર સિલેક્શન કમિટીની તમામ બેઠકોમાં અનિવાર્યપણે હાજર રહેશે. તાજેતરમાં ગુવાહાટી ખાતે યોજાયેલી ભારત A અને T20 ઇન્ટરનેશનલ ટીમ સિલેક્શનની મીટિંગમાં પણ લક્ષ્મણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં યોજાયેલી રિવ્યુ મીટિંગમાં આ દૂરગામી નિર્ણય લેવામાં આવ્યો હતો.

સિલેક્ટર્સ અને CoE વચ્ચે સંવાદ સુધારવાનો પ્રયાસ

અગાઉના સમયમાં બોર્ડ અને સિલેક્ટર્સ વચ્ચે સંવાદનો મોટો અભાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને ઈજાગ્રસ્ત ખેલાડીઓની પુનઃપ્રાપ્તિ (recovery) અને ફિટનેસ અંગે CoE તરફથી ચોક્કસ સમયસીમા કે અપડેટ ન મળવાના કારણે ઘણીવાર સિલેક્શન વખતે અપ્રિય પરિસ્થિતિ સર્જાતી હતી. કેટલીકવાર ખેલાડીઓને ટીમમાં પસંદ કરી લેવાતા હતા, પરંતુ પ્રવાસ શરૂ થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ ન હોવાનું સામે આવતાં તેમને ટીમમાંથી બહાર કરવા પડતા હતા.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “હવેથી VVS લક્ષ્મણ સિનિયર સિલેક્શન કમિટીની દરેક બેઠકમાં ભાગ લેશે, જેથી સિલેક્ટર્સ અને CoE વચ્ચે કોઈ ગેપ ન રહે. આ કોઈ પારદર્શિતાનો મુદ્દો નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ સિલેક્ટર્સને ખેલાડીઓની ફિટનેસ અંગે એકદમ સચોટ અને તાજી માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ યોગ્ય નિર્ણયો લઈ શકે.

સોશિયલ મીડિયા પર સામે આવી તસવીર

BCCI એ પોતાના સત્તાવાર ‘X’ (ટ્વિટર) હેન્ડલ પર ગુવાહાટીના ACA સ્ટેડિયમ ખાતે યોજાયેલી સિનિયર પુરુષ ટીમની સિલેક્શન મીટિંગની એક તસવીર શેર કરી હતી. આ મીટિંગમાં સચિવ દેવજીત સૈકિયા અને VVS લક્ષ્મણ સિવાય સિનિયર સિલેક્શન પેનલના સભ્યો પ્રજ્ઞાન ઓઝા, એસ.એસ. દાસ, અજય રાત્રા અને આર.પી. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

શું મહિલા કમિટી માટે પણ આ નિયમ લાગુ થશે?

અત્યાર સુધી આ નવો નિયમ સિનિયર પુરુષ ક્રિકેટ ટીમ માટે લાગુ કરવામાં આવ્યો છે. જોકે, મહિલા ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટી માટે આ વ્યવસ્થા લાગુ થશે કે નહીં તે અંગે હજુ સુધી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈજાના કારણે અનેક મહિલા ખેલાડીઓ પણ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ્સ ગુમાવી ચૂકી છે.