ચૂંટણી પહેલાં CM નીતીશકુમારે પત્રકારોનું પેન્શન વધાર્યું

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં CM નીતીશકુમારે પત્રકારોની પેન્શન વધારવાનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. CMએ X  હેન્ડલ દ્વારા માહિતી આપી કે બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના હેઠળ હવે તમામ પાત્ર પત્રકારોને દર મહિને રૂ. 6000ની જગ્યાએ રૂ. 15,000 પેન્શન આપવામાં આવશે. આ અંગે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના પણ આપી દેવામાં આવી છે.

બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં મતદાર યાદી સુધારણા એટલે કે SIRને મુદ્દે રાજકીય ગરમાટો છે. CMએ જણાવ્યું હતું કે પેન્શન લઈ રહેલા પત્રકારોના અવસાન બાદ તેમના આધારભૂત પતિ/પત્નીને જીવનભર દર મહિને રૂ. 3000ની જગ્યાએ રૂ. 10,000 પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીતીશકુમારે X પર લખ્યું હતું કે પ્રજાસત્તાકમાં પત્રકારોનું ખૂબ જ મહત્વ છે. તેઓ લોકતંત્રનો ચોથો સ્તંભ છે અને સમાજના વિકાસમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે. આપણે શરૂઆતથી જ પત્રકારોની સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે, જેથી તેઓ નિષ્પક્ષ રીતે પત્રકારત્વ કરી શકે અને નિવૃત્તિ પછી સન્માનપૂર્વક જીવન જીવી શકે.

બિહાર વિધાનસભાની ચુંટણીઓમાં મહાગઠબંધન અને NDA ગઠબંધન વચ્ચે તીવ્ર મુકાબલો છે. મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, CPI, CPM અને CPI (ML) સામેલ છે, જ્યારે NDAમાં ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), હિંદુસ્તાની અવામ મોર્ચા અને રાષ્ટ્રીય લોક મોરચા સામેલ છે.

ચૂંટણી પૂર્વે નીતીશકુમાર દ્વારા સતત મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ તેમણે જાહેર કર્યું હતું કે 1 ઓગસ્ટથી બિહારના નાગરિકોને દર મહિને 125 યુનિટ વીજળી મફતમાં મળશે.