બંગાળમાં 91.78% અને તમિલનાડુમાં 84.35% રેકોર્ડબ્રેક મતદાન

11

બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 91.78% અને તમિલનાડુમાં 84.35% જેટલું ઐતિહાસિક મતદાન થયું છે. બંગાળમાં કૂચ બિહાર અને દક્ષિણ દિનાજપુર જેવા જિલ્લાઓમાં મતદાનનો આંકડો 92% ને પાર કરી ગયો છે. જોકે, આ ઉત્સાહની વચ્ચે બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક અથડામણો, EVM માં ગેરરીતિના આક્ષેપો અને સુરક્ષા દળો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. હવે બીજા તબક્કાનું મતદાન 29 April ના રોજ યોજાશે અને પરિણામ 4 May ના રોજ જાહેર થશે.

બંગાળના વિવિધ જિલ્લાઓના આંકડા જોઈએ તો કૂચ બિહારમાં 92% થી વધુ, જલપાઈગુડીમાં 91% થી વધુ અને દક્ષિણ દિનાજપુરમાં સૌથી વધુ 93% રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. અલીપુરદ્વાર અને ઉત્તર દિનાજપુરમાં પણ આંકડો 88% થી 90% ની વચ્ચે રહ્યો છે. દાર્જિલિંગ અને કલિમ્પપોંગ જેવા પહાડી વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંગાળની સાથે જ ગુજરાતની ઉમરેઠ અને મહારાષ્ટ્રની બારામતી તથા રાહુરી બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.

જોકે, રેકોર્ડબ્રેક મતદાનની વચ્ચે હિંસાના સમાચારોએ બંગાળની ચૂંટણી પર સવાલો ઉભા કર્યા છે. બીરભૂમના ખૈરાશોલમાં ભારે અશાંતિ જોવા મળી હતી, જ્યાં કેન્દ્રીય સુરક્ષા દળો સાથે ગ્રામીણોની અથડામણ થઈ હતી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દુબરાજપુરના બુધપુર ગામમાં તો એવો ગંભીર આક્ષેપ પણ લાગ્યો કે EVM માં ચોક્કસ પક્ષનું બટન દબાવવા છતાં મત બીજા પક્ષને જતો હતો. આ ગેરરીતિના વિરોધમાં સ્થાનિકોએ લાંબા સમય સુધી મતદાન રોકીને પ્રદર્શન કર્યું હતું. અનેક જગ્યાએ ભાજપના નેતાઓ પર હુમલાના સમાચાર પણ મળ્યા છે.

આ બમ્પર વોટિંગ બાદ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલા મોટા મતદાનને ભાજપની પ્રચંડ જીતનો સંકેત ગણાવ્યો છે, જ્યારે મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંગાળમાં ફરી એકવાર TMC ની સરકાર બનશે. આ દરમિયાન ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ‘બદલો લેવા’ ની વાત કરી પરોક્ષ રીતે 2021 ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને રાજ્યમાં પરિવર્તનની હવા હોવાનો દાવો કર્યો છે.

બીજી તરફ તમિલનાડુમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યની તમામ 234 બેઠકો પર એકસાથે મતદાન યોજાયું હતું. ભીષણ ગરમી અને લાંબી કતારો હોવા છતાં સામાન્ય નાગરિકોથી લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમવાર આટલું મોટું મતદાન થયું છે. હવે બંગાળમાં બીજા તબક્કા માટે 29 April ના રોજ વોટિંગ થશે, જેમાં 1448 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. ચૂંટણીના અંતિમ પરિણામો 4 May ના રોજ જાહેર કરવામાં આવશે.