બંગાળમાં લોહિયાળ જંગ: હુમાયું કબીરની કાર પર પથ્થરમારો અને ભાજપના ઉમેદવારની ધોલાઈ

12

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ, કૂચબિહાર, સિલીગુડી અને માલદામાં ભારે હિંસા ફાટી નીકળી છે. મુર્શિદાબાદના નૌદામાં હુમાયું કબીરની કાર પર ઈંટો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ દિનાજપુરમાં ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. કૂચબિહારમાં ભીડને વિખેરવા માટે કેન્દ્રીય દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન આસનસોલમાં ટીએમસીએ બહારથી ટ્રેનો દ્વારા મતદારો લાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

 

મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં સ્થિતિ ત્યારે તણાવપૂર્ણ બની ગઈ જ્યારે રેજીનગર બેઠકના ઉમેદવાર અને AJUP પ્રમુખ હુમાયું કબીરના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો. અસામાજિક તત્વોએ તેમના વાહન પર લાકડીઓ અને ઈંટો વડે હુમલો કર્યો હતો, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ ટીએમસી અને એજેયુપીના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. હુમાયું કબીરે પોલીસની હાજરીમાં આ હુમલો થયો હોવાનો દાવો કરતા આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

દક્ષિણ દિનાજપુરના કુમારગંજમાં પણ આવી જ એક હિંસક ઘટના બની છે. ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકારને માહિતી મળી હતી કે એક ચોક્કસ બૂથ પર ‘બૂથ જામિંગ’ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેઓ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના કથિત સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. સુવેન્દુ સરકારને લાકડીઓ અને મુક્કાઓથી માર મારવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને જોતી રહી અને ટીએમસીના ગુંડાઓએ તેમને બેરહેમ રીતે પીટ્યા હતા. આ હુમલામાં તેમને ઈજાઓ પણ પહોંચી છે.