ભીલ આદિવાસી સંસ્કૃતિને સાચવનાર ભગવાનદાસને નર્મદ એવોર્ડ

અમદાવાદ: આદિવાસી કંઠપરંપરાના સાહિત્યની ઉત્તમ રચનાઓના સંશોધક-સંપાદક અને સર્જક ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ડો. હેમરાજ શાહ પ્રેરિત કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો ઓડિટોરિયમમાં આપવામાં આવ્યો.સાબરકાંઠાના જામળા ગામના ભગવાનદાસ કુબેરદાસ પટેલ મોટા ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્નાતક થયા પછી ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્યામાં આદિવાસી વિસ્તાર નજીક એટલે એમને ભીલી બોલીમાં રસ પડ્યો. ભાષામાં રસ ધરાવતા ભગવાનદાસે આદિવાસી વિસ્તારોમાં જઇ એમના ગીતો, આખ્યાન, વાર્તા, કથા જેવી એમની સંસ્કૃતિની અનેક સારી બાબતોનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું.ભગવાનદાસને આદિવાસી સાહિત્ય એકઠું કરવામાં ઘણી કઠીનાઇનો સામનો કરવો પડ્યો. કેટલાય દિવસો અને રાતો આદિવાસી વિસ્તારમાં રહ્યા, ફર્યા અને લોકજીવન, લોકબોલી લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ કર્યું. ભગવાનદાસે ભીલીબોલીના ગીતો, કથાઓ, મહાકાવ્યોના પંચાવનથી વધુ પુસ્તકો લખ્યા. એમણે ઓડિયો કેસેટ્સ અને વિડિયો રેકોર્ડિંગ કરી આદિવાસીઓના સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસ કર્યા.

આદિવાસી વિસ્તારોમાં વારંવાર પ્રવાસ દરમિયાન સ્ત્રીઓને અત્યાચાર થતો હોય એવી ડાકણ પ્રથાથી ખૂબ જ પીડા થતી. સંવેદનશીલ ભગવાનદાસે ડાકણપ્રથા દૂર કરવા ખૂબ જ પ્રયાસ કર્યા. એના માટે અનેક વિભાગ, સંસ્થાઓને મળ્યા. આદિવાસી લોકોને જ તૈયાર કરી ડાકણ પ્રથાનું નાટ્યરૂપાંતર કર્યું. ગામડે-ગામડે જઇ ડાકણ પ્રથા દૂર થાય એવા વિષય સાથે નાટકો રજૂ કર્યા. ડાકણપ્રથાને નાબૂદ કરવામાં ભગવાનદાસનો મોટો ફાળો રહ્યો છે.શિક્ષક, ખેડૂતપુત્ર ભગવાનદાસને એમના શ્રેષ્ઠ, અનોખા કામના ખેડાણ માટે અનેક એવોર્ડ પારિતોષિક મળ્યા છે. બુધવારની સાંજે ગુજરાત વિશ્વકોશ ખાતે કુમારપાળ દેસાઇ, પ્રેમજી પટેલ, રતીલાલ બોરિસાગર, અરવિંદ બારોટ, દલપત પઢિયાર, ડો.માણેક પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે એમણે જે વિસ્તારના ભીલ આદિવાસી લોકો વચ્ચે કામ કર્યું એમની કલાની રજૂઆત પણ કરવામાં આવી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)