નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વિવિધ રાજ્યો માટે નવા પ્રભારી અને સહ-પ્રભારીની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ સંગઠનાત્મક ફેરફારો અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ તરુણ ચુગને ગુજરાત ભાજપના નવા સંગઠન પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने विभिन्न राज्यों के निम्नलिखित प्रदेश प्रभारियों और सह प्रभारियों की नियुक्तियां की है।
ये नियुक्तियां तत्काल प्रभाव से लागू होंगी। pic.twitter.com/S3as4bSf3q
— BJP (@BJP4India) September 23, 2026
તરુણ ચુગ ભાજપના એક અનુભવી અને વરિષ્ઠ સંગઠનકર્તા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને સ્થાનિક ચૂંટણીઓની વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના પૂર્વ ધારાસભ્યને મહત્ત્વપૂર્ણ જવાબદારી
આ સાથે જ પક્ષે અન્ય રાજ્યોમાં પણ મહત્વની નિમણૂકો કરી છે. જેમાં વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના પ્રભારી અને ગુજરાતના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઇશ્વરભાઈ પટેલને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી બનાવાયા છે. ભાજપ નેતૃત્વના આ નિર્ણયથી ગુજરાત ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સ્મૃતિ ઇરાનીને બેવડી જવાબદારી
પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, સ્મૃતિ ઇરાનીને હરિયાણા અને છત્તીસગઢ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા સુનીલ બંસલને પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
સંગઠનમાં ફેરફાર
દિલ્હી સંગઠનને લઈને પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં વિનય સહસ્રબુદ્ધેને દિલ્હી યુનિટના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે જમ્યાંગ નામગ્યાલ અને દર્શના જરદોશને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રામ માધવને ઉત્તરાખંડ અને તમિલનાડુના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે બાંસુરી સ્વરાજને પણ સહ-પ્રભારી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
6 નેતાને મહત્વપૂર્ણ જવાબદારી
આ નવી નિમણૂકોમાં કુલ 6 નેતાઓ એવા છે કે જેઓ એક કરતાં વધુ રાજ્યની જવાબદારી સંભાળશે. સ્મૃતિ ઇરાની (છત્તીસગઢ અને હરિયાણા), હરીશ દ્વિવેદી (બિહાર અને કર્ણાટક), સતીશ પૂનિયા (જમ્મુ-કાશ્મીર અને પંજાબ), રામ માધવ (તમિલનાડુ અને ઉત્તરાખંડ), સુનીલ બંસલ (તેલંગાણા અને પશ્ચિમ બંગાળ) તેમજ અનિલ એન્ટની (નાગાલેન્ડના પ્રભારી અને ગોવાના સહ-પ્રભારી)નો ચાર્જ સંભાળવાના છે. ભાજપના આ નવા સંગઠનાત્મક માળખાથી પક્ષની કામગીરી વધુ સઘન બનશે તેવી અપેક્ષા છે.




