દશેરાએ શહેરમાં ફાફડા-જલેબી માટે મોટી કતારો લાગી

અમદાવાદઃ આ વર્ષે નવરાત્રિમાં વરસાદી માહોલ વચ્ચે રાસ-ગરબાની રમઝટ થઈ હતી. હવે દશેરા  પર્વની ઉજવણી માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. એમાંય  ફાફડા-જલેબી પ્રિય પ્રજા એની લિજ્જતને માણવા વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી.

નવરાત્રિના છેલ્લા નોરતે આમ તો મોડી રાતથી જ શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ફાફડા-જલેબીની મોજ શરૂ થઈ જાય છે. જોકે આ વર્ષે પણ પૂર્વ ને પશ્ચિમ અમદાવાદની ફરસાણની દુકાનોની બહાર ફાફડા-જલેબી બનાવતા મોટા મંડપ જોવા મળ્યા હતા. આ સાથે કરિયાણાની દુકાન, જ્વેલર્સ, મેડિકલ સ્ટોર્સ, કટલરી સ્ટોર્સ, મોબાઈલ સ્ટોર્સ જેવા અનેક વેપારીઓની દુકાનોની બહારની ખુલ્લી જગ્યાઓમાં પણ ફાફડા-જલેબી અને ચોળાફળી બનાવતા કારીગરોના મંડપ જોવા મળ્યા હતા. આટલા વિશાળ પ્રમાણમાં ફાફડા-જલેબી બનાવવાના વેચવાના મંડપ લાગ્યા, છતાંય વિજયા દશમીની વહેલી સવારથી જ ફાફડા-જલેબી માટે લોકોની કતારો લાગી.

મોંઘા મટીરિયલ્સ, ભાવવધારા સાથે 600થી 800 રૂપિયે કિલોગ્રામ ફાફડા-જલેબીનું વેચાણ થયું હતું. લાંબી કતારો જોઈ કેટલાક લોકોએ ગુણવત્તાની દરકાર કર્યા વગર જ્યાંથી મળે ત્યાંથી ફાફડા-જલેબી, ચોળાફળી મેળવી જ્યાફત માણી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)