કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી નોકરીપેશા લોકો અને તેમના પરિવાર માટે એક મોટી રાહતભરી જાહેરાત સામે આવી છે. EPFOએ EDLI (Employees’ Deposit Linked Insurance) સ્કીમને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ગૂંચવણ પર સ્પષ્ટતા કરી છે. નવા સ્પષ્ટીકરણ મુજબ, એક નોકરી છોડીને બીજી નોકરી જોડવામાં જો માત્ર શનિવાર, રવિવાર અથવા જાહેર રજાઓ આવે છે, તો તેને હવે ‘સેવામાં બ્રેક’ ગણવામાં નહીં આવે.

EPFO દ્વારા 17 ડિસેમ્બર 2025ના રોજ જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ સતત સેવા (Continuous Service)ને લઈને થતા ગેરસમજ અને તેના કારણે નકારવામાં આવતા EDLI ક્લેમ્સને રોકવાનો છે. અત્યાર સુધી અનેક કેસોમાં જોવામાં આવ્યું હતું કે બહુ નાનો ગેપ હોવા છતાં તેને બ્રેક માનવામાં આવતો હતો, જેના કારણે કર્મચારીના પરિવારને ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ લાભ મળતો નહોતો.
એક મહત્વપૂર્ણ કેસનો ઉલ્લેખ કરતાં EPFOએ જણાવ્યું કે એક કર્મચારીએ શુક્રવારે પોતાની જૂની નોકરી છોડી હતી અને સોમવારે નવી EPF-કવર્ડ કંપનીમાં જોડાયો હતો. વચ્ચે માત્ર શનિવાર અને રવિવાર આવ્યા હતા, છતાં તેને બ્રેક ઇન સર્વિસ માનવામાં આવ્યો અને પરિવારનો EDLI ક્લેમ રદ થઈ ગયો. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ EPFOએ આ સ્પષ્ટતા જરૂરી માની.

નવી ગાઇડલાઇન અનુસાર, જો બે નોકરીઓ વચ્ચેનો ગેપ માત્ર સાપ્તાહિક રજા, રાષ્ટ્રીય રજા, રાજપત્રિત રજા, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રજા અથવા પ્રતિબંધિત રજાના કારણે હોય, તો તે સમયગાળો સતત સેવામાં જ ગણાશે. એટલે કે શુક્રવારે નોકરી છોડીને સોમવારે નવી નોકરી જોડનાર કર્મચારીની EDLI પાત્રતા પર હવે કોઈ અસર નહીં પડે.
EPFOએ વધુમાં જણાવ્યું છે કે અલગ-અલગ EPF હેઠળ આવતી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ રાહત આપવામાં આવી છે. જો બે નોકરીઓ વચ્ચે 60 દિવસ સુધીનો ગેપ હોય, તો તેને પણ હવે સતત સેવા માનવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, જેમણે નોકરી બદલતી વખતે થોડો સમયનો બ્રેક લીધો હોય.
આ ઉપરાંત, EDLI સ્કીમ હેઠળ તાજેતરમાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ ફેરફારો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. હવે એવા કર્મચારીઓના આશ્રિતોને પણ ઓછામાં ઓછા ₹50,000નો લાભ મળશે, જેમણે સતત 12 મહિના સેવા આપી નથી અને જેમનો સરેરાશ PF બેલેન્સ ₹50,000થી ઓછો રહ્યો છે. આ પગલાથી ઓછા પગારવાળા કર્મચારીઓના પરિવારને મોટી સુરક્ષા મળશે.
EPFOએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારીનું અવસાન તેના છેલ્લાં PF યોગદાનના છ મહિનાની અંદર થાય છે અને તે હજી પણ કંપનીના રેકોર્ડમાં નોંધાયેલ હોય, તો તેના પરિવારને EDLI લાભ મળશે. અગાઉ આવી પરિસ્થિતિઓમાં પણ ક્લેમ નકારવામાં આવતા હતા, પરંતુ હવે નિયમો વધુ માનવિય બનાવવામાં આવ્યા છે.
નિષ્ણાતોના મત અનુસાર, EPFOનો આ નિર્ણય લાખો કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મોટો સહારો બનશે. ખાસ કરીને અચાનક મૃત્યુ જેવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં પરિવારને આર્થિક મદદ સમયસર મળી શકશે. સરકાર અને EPFOનો પ્રયાસ છે કે સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે.

