નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકોને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સંજય કપૂરની સંપત્તિ પર ત્રીજા પક્ષના હકો બનાવવા પર સ્ટે મૂક્યો છે અને સમગ્ર સંપત્તિ પર યથાવત્ સ્થિતિ (સ્ટેટસ કો) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. હવે કાનૂની વિવાદ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપત્તિનું વેચાણ કે ટ્રાન્સફર થઈ શકશે નહીં.
વિદેશી ખાતાં અને ક્રિપ્ટો પર પણ કાર્યવાહી
કોર્ટે માત્ર સ્થાવર સંપત્તિ સુધી મર્યાદિત ન રહી, પરંતુ આર્થિક વ્યવહારો પર પણ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સંજય કપૂરના વિદેશી બેંક ખાતાંઓ અને ક્રિપ્ટોકરન્સી ઓપરેશન્સ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. એ સાથે જ પ્રતિવાદીઓને તેમનાં બેંક ખાતાઓની વિગતો અને સ્ટેટમેન્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે કેસની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને નાણાકીય પારદર્શિતા ખૂબ જ જરૂરી છે.
શંકાસ્પદ પરિસ્થિતિઓ અને વસિયત પર પ્રશ્નો
આ સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલો પર ધ્યાન આપતાં કોર્ટે જણાવ્યું હતું કે કેસમાં અનેક “શંકાસ્પદ પરિસ્થિતિઓ” દેખાઈ રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પ્રતિવાદી નંબર એક પ્રિયા સચદેવ પર આ શંકાઓ દૂર કરવાની જવાબદારી રહેશે અને સંપત્તિ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. ન્યાયાધીશે જણાવ્યું હતું કે અરજદારોએ મજબૂત કાનૂની દલીલો મૂકી છે, તેથી પ્રતિવાદીઓને તમામ શંકાસ્પદ બાબતો અંગે સ્પષ્ટતા કરવી પડશે.

સંપત્તિ સંરક્ષણ પર કડક વલણ
કોર્ટે નોંધ્યું હતું કે કાનૂની કાર્યવાહી લાંબી ચાલી શકે છે અને આ દરમિયાન સંપત્તિમાં ફેરફાર થવો ન્યાયના હિતમાં નથી. કોર્ટે જણાવ્યું હતું કે સંપત્તિનું સંરક્ષણ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈના હકોનું નુકસાન ન થાય. આ વચગાળાના આદેશ દ્વારા કોર્ટે કરિશ્મા કપૂરનાં બાળકોનાં હિતોની સુરક્ષા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
મિલકત વિવાદ અને કેસ
જૂન, 2025માં સંજય કપૂરના અચાનક નિધન બાદ લગભગ રૂ. 30,000 કરોડની સંપત્તિને લઈને કાનૂની વિવાદ શરૂ થયો. મુખ્ય મુદ્દો તેમની વસિયતને લઈને છે, જેમાં કહેવાય છે કે સંપત્તિ પ્રિયા સચદેવને નામે કરી દેવામાં આવી છે. કરિશ્માનાં બાળકો સમાયરા અને કિયાનએ આ વસિયતને “નકલી” ગણાવીને કોર્ટમાં પડકાર્યો છે અને પોતાનો હક માગ્યો છે.




