ઘઉંના ઉત્પાદનમાં સૌથી મોટો ઘટાડો થવાનો ખતરોઃ શું લોટ મોંઘો થશે?

નવી દિલ્હીઃ આ વર્ષે ભારતમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લાં 26 વર્ષમાં ઘઉંના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો નોંધાવાની શક્યતા છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયના સૌથી નબળા ચોમાસાના વરસાદને કારણે ખેતરોમાં ભેજની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો વધુ નફાની આશાએ ઘઉંને બદલે અન્ય વૈકલ્પિક પાકોની ખેતી તરફ વળી રહ્યા છે. ઉદ્યોગજગતના અધિકારીઓએ આ માહિતી આપી છે.

વાવેતર વિસ્તારમાં ઘટાડાની સાથે અલ નિનોની ગંભીર હવામાન અસરોને કારણે ઉત્પાદન ઘટવાનું જોખમ પણ છે. તેનાથી વિશ્વના બીજા સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશ ભારતમાં ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે. તેની અસર ઘઉંના ભાવ પર પડી શકે છે અને ખાદ્ય મોંઘવારીને નિયંત્રણમાં રાખવાના સરકારના પ્રયાસો પણ મુશ્કેલ બની શકે છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જાલના જિલ્લાના ખેડૂત વિલાસ ભુતેકરે જણાવ્યું હતું કે ઘઉંના પાકને ઓછામાં ઓછા 4થી 5 વખત સિંચાઈની જરૂર પડે છે, પરંતુ અમારી પાસે વાવણી માટે પણ પૂરતું પાણી નથી. તેથી અમે ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા ચણાની ખેતી કરવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં રવિ સિઝનના મુખ્ય પાક ઘઉંના વાવેતર વિસ્તારમાં સામાન્ય રીતે સરસવ, ચણા અને મકાઈ જેવા પાકો સાથે સ્પર્ધા રહે છે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થયેલો ચોમાસાનો વરસાદ એક દાયકાથી વધુ સમયના સૌથી ઓછા સ્તરે રહ્યો હતો. અલ નિનોની અસરને કારણે ઘઉં ઉત્પાદક મુખ્ય રાજ્યો પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ સરેરાશ કરતાં 41 ટકા સુધી ઓછો રહ્યો હતો.

કૃષિ વેપાર કંપની ઓલમ એગ્રી ઇન્ડિયાના ડેપ્યુટી કન્ટ્રી હેડ નિતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘઉંને અન્ય વૈકલ્પિક પાકોની સરખામણીમાં વધુ પાણીની જરૂર પડે છે. પરંતુ આ વર્ષે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત છે. આવી સ્થિતિમાં ખેડૂતો ઘઉંનું વાવેતર ઘટાડી શકે છે.

લઘુત્તમ ટેકાના ભાવમાં માત્ર 1 ટકાનો વધારો

ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર ઘઉંની ખરીદી કરે છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ઘઉંના એમએસપીમાં માત્ર 1 ટકાનો વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,610 કર્યો છે. વર્ષ 2002-03 પછીનો આ સૌથી ઓછો વધારો છે.