ઇતિહાસની સૌથી મોટી હારઃ ભારત દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ 2-0

ગૌહાટીઃ દક્ષિણ આફ્રિકાએ ગૌહાટીમાં બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી સજ્જડ હાર આપી છે. 549 રનના લક્ષ્યનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ 140 રનમાં પૂરી થઈ હતી. આ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનનો શરમજનક દેખાવ રહ્યો. પ્રથમ ઇનિંગમાં માત્ર યશસ્વી જયસ્વાલ અને બીજી ઇનિંગમાં માત્ર રવીન્દ્ર જાડેજા અર્ધસદી ફટકારી શક્યા હતા. પ્રથમ ઇનિંગમાં પણ ટીમ ઇન્ડિયા 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેમ્બા બાવુમાએ કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ ન હારવાનો પોતાનો રેકોર્ડ આ સિરીઝમાં પણ જાળવી રાખ્યો. દક્ષિણ આફ્રિકાએ બે મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી જીતી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં બનાવ્યા હતા 489 રન

ટેમ્બા બાવુમાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એડન માર્ક્રમ (38) અને રાયન રિકલ્ટન (35)એ પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી સાથે ટીમને સારી શરૂઆત અપાવી. ટ્રિસ્ટન સ્ટબ્સ (49) અને ટેમ્બા બાવુમા (41)એ ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી. ભારતીય બોલરો પ્રથમ ઇનિંગમાં બેઅસર રહ્યા હતા. આનો અંદાજ એ પરથી લગાડી શકાય કે નીચલા ક્રમના બેટ્સમેન માર્કો યાન્સને પણ 93 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેના સહારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 489 રન સુધી પહોંચ્યો હતો.

ભારત માટે પ્રથમ ઇનિંગમાં કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી બુમરાહ અને સિરાજે 2-2 વિકેટ લીધી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ

યશસ્વી જાયસવાલ અને કે.એલ. રાહુલે ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી. ત્યાર પછી ભારત 201 રનમાં ઓલઆઉટ થયું હતું.

ભારતને જીત માટે લક્ષ્ય હતો 549 રન

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 288 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 260/5 પર ઇનિંગ ઘોષિત કરી ભારતને 549 રનનું લક્ષ્ય આપ્યું. બીજી ઇનિંગમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 93 રન બનાવ્યા, તેઓ શતક ચૂકી ગયા. તેમના વિકેટ પછી જ બાવુમાએ ઇનિંગ ડિક્લેર કરી.

ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં જયસ્વાલે 13 રન, સાઇ સુદર્શનો 14 રન, જાડેજાએ 54 રન અને વોશિંગ્ટ સુંદર 16 રન સિવાય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટનો સ્કોર નોંધાવી શક્યું નહોતું.