મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણીઃ  8000 કર્મચારીઓની જશે નોકરી

11

નવી દિલ્હીઃ દિગ્ગજ સોશિયલ મિડિયા કંપની મેટાએ ફરી એક વાર પોતાના વર્કફોર્સમાં મોટી છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી કે તે પોતાના 10 ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરશે. કંપનીના આ નિર્ણય બાદ મેટાના આશરે 8000 કર્મચારીઓની નોકરી જોખમમાં આવી ગઈ છે. આ ઉપરાંત કંપનીએ હજુ સુધી ન ભરાયેલા 6000 પદોને કાયમ માટે બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. મેટાની ચીફ પીપલ ઓફિસર જેનેલ ગાલેએ મેમો દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી હતી. આ જાહેરાત બાદ મેટાના શેરોમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મેટા છટણી શા માટે કરી રહી છે?

મેટાએ મેમોમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા અને જનરેટિવ AI ક્ષેત્રમાં રોકાણનું સંતુલન જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. માર્ક ઝુકરબર્ગ ના નેતૃત્વ હેઠળ હવે કંપની પોતાનું સંપૂર્ણ ધ્યાન અને મૂડી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી પર કેન્દ્રિત કરી રહી છે. ઓપન AI, ગૂગલ અને એન્થ્રોપિક જેવી કંપનીઓથી મળતી કડક સ્પર્ધાએ મેટાને પોતાની વ્યૂહરચના બદલવા મજબૂર કરી છે.

AI પર મેટાનો વધતો ખર્ચ

કંપનીએ વર્ષ 2025માં ડેટા સેન્ટર અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 72.2 અબજ ડોલર ખર્ચ્યા હતા અને અંદાજ છે કે 2026માં આ ખર્ચ 115 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. નવી ટેક્નોલોજી અપનાવવાની દોડમાં માનવબળ ઘટાડવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યના વર્ક કલ્ચર માટે મોટો સંકેત માનવામાં આવે છે.

પ્રભાવિત કર્મચારીઓને રાહત પેકેજ

20 મેથી શરૂ થનારી આ છટણી પ્રક્રિયા દરમિયાન કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને રાહત આપવા પણ પ્રયત્ન કર્યો છે. અમેરિકામાં જેમની નોકરી જશે તેમને 16 સપ્તાહની મૂળ સેલેરી આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીમાં કામ કરેલા દરેક વર્ષ બદલ બે વધારાના સપ્તાહનો પગાર પણ મળશે. મેટાએ વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકા બહાર કામ કરતા કર્મચારીઓ માટે પણ આવા જ પેકેજ તૈયાર કરવામાં આવશે.