પટના: બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં બેઠક વહેંચણીને લઈને મથામણનો દોર તેજ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર NDAમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. NDAમાં પાંચ પક્ષો છે – જેમાં ભાજપ અને JDU ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટી, જીતન રામ માંઝીની પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સામેલ છે. આ પાંચેય વચ્ચે બેઠકોનું વહેંચણી નક્કી થઈ જવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી વધુ બેઠકો પર નીતીશકુમારની પાર્ટી JDU લડશે. બિહારની કુલ 243 બેઠકોમાંથી JDUને 102 બેઠકો આપવામાં આવી છે. બીજા નંબરે પર ભાજપ છે, જે આ વખતે 101 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 20 બેઠકો આપવામાં આવી છે. જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને 10-10 બેઠકો મળશે.
એકાદ-બે બેઠકો ઉપર-નીચે થઈ શકે છે. જોકે આ આંકડા અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બેઠક વહેંચણી અંગે બહુ જલદી જાહેરાત થશે, તે પણ નક્કી છે. એટલે કે બિહારમાં NDA ગઠબંધનની બેઠક વહેંચણીની તસવીર હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. પરંતુ કઈ પાર્ટી કઈ બેઠક પરથી લડશે તેની ચર્ચા હજુ આગળ થશે.
JDUને વધુ બેઠકો આપીને આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે નીતીશકુમારના નેતૃત્વમાં જ NDA ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.હકીકતમાં, લોજપા (આર)ની સ્થિતિ ઘણી મજબૂત થઈ છે. એટલા માટે લોકસભાની જીતના સમીકરણ મુજબ લોજપા (આર)ને 30થી 35 બેઠકો મળવી જોઈએ, પરંતુ સાથે-સાથે NDAના વ્યૂહરચનાકારોને ગઠબંધનના બીજા સાથી પક્ષોને પણ એડજસ્ટ કરવાના છે. આ હિસાબે JDU, ભાજપ અને લોજપા (આર)એ પોતાની બેઠકોમાં કાપ મૂકીને અન્ય સાથી પક્ષોને એડજસ્ટ કરવાની વ્યૂહરચના પર કામ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોજપા (આર)નું અડગ રહેવું NDAના રાજકારણને નુકસાન પહોંચાડી શકે છે.
