બિહારના હાજીપુરમાં મંગળવારે મોડી સાંજે ગંગા નદીમાં એક ભયાનક નાવ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે કેટલાક લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હ્રદયદ્રાવક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત નાવ પર 20 થી વધુ લોકો સવાર હતા. આ તમામ લોકો એક ભોજન સમારંભમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન રાઘોપુરના રામપુર શ્યામચંદ ગામ પાસે અચાનક નાવ સંતુલન ગુમાવીને ગંગા નદીમાં પલટી ગઈ હતી.

અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે મુસાફરોને સંભળવાનો કે બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પ્રશાસન દોડી આવ્યું હતું અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના નાના બાળકો હોવાનું સામે આવ્યું છે. સ્વજનોને ગુમાવનાર પરિવારોનો રોઈ-રોઈને ખરાબ હાલ છે. પોલીસે તમામ મૃતકોના શવોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
નેતાઓની સંવેદના અને આર્થિક મદદની જાહેરાત
આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત દુખદ અને હ્રદયને વલોવી નાખનારી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે.
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સ્થાનીય ધારાસભ્ય તેજસ્વી યાદવે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે ડૂબેલા લોકોમાં મોટાભાગના માસૂમ બાળકો છે. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓ સાથે વાતચીત કરીને રાહત તથા બચાવ કાર્યને વેગ આપવા નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ દર્દનાક દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

