પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ CM નીતીશકુમારનું ફોકસ માત્ર ચૂંટણીપ્રચાર પર નહીં પરંતુ પોતાની યોજનાઓના અમલીકરણ પર છે. ખાસ કરીને, નીતીશકુમારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને અનેક નવી ભેટો આપી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે CM નીતીશે વ્યૂહરચના પહેલેથી જ નક્કી કરી દીધી હતી અને હવે તેઓ મહિલાઓ સાથેની પોતાની ‘મહિલા સંવાદ યાત્રા’માં અનુભવેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. તો શું 2025ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારો જ ખરેખર ગેમચેન્જર સાબિત થશે.
નીતીશની સાત મોટી જાહેરાતો
છેલ્લા બે મહિનામાં CM નીતીશકુમારે એવી સાત મોટી જાહેરાતો કરી છે જે મહિલાઓને સીધો લાભ પહોંચાડે છે. આ યોજનાઓ દ્વારા રોજગાર, આર્થિક સશક્તીકરણ, સામાજિક સુરક્ષા અને આરોગ્ય જેવાં ક્ષેત્રોમાં મહિલાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યૂહરચના ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાની શક્યતા છે, જેમાં લક્ષ્ય મહિલા મતબેંકને સાધવાનો છે.
નીતિશ સરકાર દ્વારા ગ્રામીણ મહિલાઓને ધ્યાનમાં 1.40 લાખ જીવિકા કર્મચારીઓનું માનધન દોઢ ગણું કરવામાં આવ્યું છે. એ સાથે જ, બેંક લોન પર વ્યાજદર 10 ટકા પરથી ઘટાડી 7 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગ્રામીણ મહિલાઓના મોટા વર્ગને લાભ આપનાર છે અને તેને નીતિશનો ચૂંટણી માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે 8053 ગ્રામ પંચાયતોમાં લગ્ન મંડપના બાંધકામ માટે 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. આ મંડપનું સંચાલન અને દેખરેખની જવાબદારી ગ્રામીણ મહિલાઓને સોંપવામાં આવશે.
આશા કાર્યકર્તાઓનું માનધન 1000 રૂપિયાથી વધારી 3,000 રૂપિયા કરવામાં આવ્યું છે, જ્યારે મમતા કાર્યકર્તાઓનું માનધન 300 રૂપિયાથી વધારી 600 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી લગભગ 1.20 લાખ મહિલાઓને સીધો લાભ થશે. હાલમાં બિહારમાં 91,094 આશા કાર્યકર્તા, 4,364 આશા ફેસિલિટેટર અને 4,600 મમતા કાર્યકર્તા કાર્યરત છે. ઉપરાંત, 29,000 નવી આશા કાર્યકર્તાઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
રાજ્યમાં 2020ના આંકડા મુજબ બિહારમાં 3.39 કરોડથી વધુ મહિલા મતદારો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલા મતદારોની સંખ્યા વધી છે અને તેમનો સામાજિક-રાજકીય પ્રભાવ પણ વધ્યો છે.
