ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER / ગીર ફાઉન્ડેશન)ના સંશોધકો દ્વારા એક અગત્યની શોધ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લામાં સ્થિત નર્મદા કેનાલ કમાન્ડ વિસ્તારમાંથી ‘રુંજિયા રીપેન્સ’ (Rungia repens) નામના છોડની એક નવી વરાયટી મળી આવી છે. આ નવી શોધાયેલી જાતનું સત્તાવાર વૈજ્ઞાનિક નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ (Rungia repens var. alba) રાખવામાં આવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ સંશોધકોની આ સફળતાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ શોધ રાજ્યની સમૃદ્ધ પર્યાવરણીય સંપદાનું ઉદાહરણ છે.
સંશોધનની મુખ્ય વિગતો અને વિશેષતાઓ
-
અભ્યાસનો સંદર્ભ: મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ‘નર્મદા કેનાલ સિસ્ટમની પર્યાવરણ અને ઇકોલોજી (જૈવ-વિવિધતા, માટી અને પાણીની ગુણવત્તા) પર અસર’ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલા અભ્યાસ દરમિયાન આ નવી વરાયટીની ઓળખ થઈ હતી.
-
વિશિષ્ટ લક્ષણો:
-
સામાન્ય રીતે જોવા મળતી ‘રુંજિયા રીપેન્સ’ જાતમાં વાદળી-જાંબલી રંગના ફૂલો હોય છે. જ્યારે આ નવી વરાયટીમાં એકદમ બરફ જેવા સફેદ રંગના કોરોલા (ફૂલની પાંખડીઓ) જોવા મળે છે. Latin ભાષામાં ‘આલ્બા’ (Alba) નો અર્થ સફેદ થાય છે, જેના પરથી આ નામ આપવામાં આવ્યું છે.
-
આ ઉપરાંત, તેમાં મધ્યમ કદના ફ્લાવર સ્પાઇક્સ અને લીલાશ પડતા સફેદ પોઇન્ટેડ ટિપ્સ ધરાવતા નાના બ્રેક્ટ્સ હોય છે.
-
-
ઋતુચક્ર (ફ્લાવરિંગ અને ફ્રુટિંગ):
-
નવી વરાયટી (var. alba): ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ફૂલો આવે છે અને મે થી જૂન દરમિયાન ફળ બેસે છે.
-
સામાન્ય વરાયટી: જેમાં ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન ફૂલો આવવાનો સમયગાળો હોય છે.

-
હર્બેરિયમ જતન અને આંતરરાષ્ટ્રીય માન્યતા
ગીર ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતિ (IFS) અને નાયબ નિયામક અમિતકુમાર નાયક (IFS)ના જણાવ્યા અનુસાર, સંશોધન ટીમે છોટા ઉદેપુરથી આ છોડના ત્રણ પરિપક્વ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી સૂકવીને ગીર ફાઉન્ડેશન હર્બેરિય ખાતે સુરક્ષિત જમા કરવામાં આવ્યા છે.
-
આંતરરાષ્ટ્રીય જર્નલમાં સ્થાન: આ મહત્ત્વપૂર્ણ શોધને ફોરેસ્ટ્રી ક્ષેત્રની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ ‘ઇન્ડિયન ફોરેસ્ટર’ (Indian Forester)માં પ્રકાશન માટે સ્વીકારવામાં આવી છે.
-
હર્બેરિયમને વૈશ્વિક ઓળખ (GEERFH): ગીર ફાઉન્ડેશન હર્બેરિયમને ધ ન્યૂયોર્ક બોટનિકલ ગાર્ડન (NYBG) દ્વારા સંચાલિત ‘ઇન્ડેક્સ હર્બેરિયોરમ’ તરફથી સત્તાવાર એક્રોનિમ “GEERFH” એનાયત કરવામાં આવ્યું છે, જેથી વિશ્વભરના બોટનિકલ સંશોધકો આ ડેટાનો સરળતાથી ઉપયોગ કરી શકશે.
સંશોધન ટીમ
આ સફળ શોધમાં ગીર ફાઉન્ડેશનના ડૉ. રાજકુમાર યાદવ, નમન નાયક, વિનેશ ગામિત, અમિતકુમાર નાયક (IFS) અને બી.પી. પતિ (IFS)ની મુખ્ય ભૂમિકા રહી છે.




