ચંડીગઢઃ ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD)એ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ભાજપ મુખ્યાલયમાં NDAમાં શિરોમણી અકાલી દળના ફરી જોડાવાની જાહેરાત કરી હતી. આવતા વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે.
આ ગઠબંધનની જાહેરાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સૌને ગુરુ પર્વની શુભેચ્છાઓ. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં આજે જ એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ મળીને નિર્ણય લીધો છે કે આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી ભાજપ અને અકાલી દળ બંને સાથે મળીને લડશે. આજથી અકાલી દળ એનડીએના સાથી પક્ષ તરીકે રાજકારણમાં કામ કરશે. શાહે કહ્યું હતું કે આ ગઠબંધનનો CM ચહેરો અકાલી દળનો રહેશે. અકાલી દળ મોટા ભાઈની ભૂમિકામાં રહેશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું હતું કે આજે કાર્તિક પૂર્ણિમા પણ છે અને ગુરુ પર્વની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ ખૂબ પવિત્ર છે અને આજે પંજાબના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હું સુખબીર સિંહ બાદલજી અને તેમની પાર્ટીના સભ્યોને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. એનડીએ ગઠબંધનમાં આપનું જોડાવું એ આપણા સૌની શક્તિ વધારશે.
BJP National President Shri @NitinNabin felicitates Shiromani Akali Dal (SAD) President Sukhbir Singh Badal at the BJP headquarters in New Delhi, ahead of the announcement of their alliance for the 2027 Punjab Assembly elections. https://t.co/hyYp2ZxGiT
— BJP (@BJP4India) November 24, 2026
અકાલી દળે સપ્ટેમ્બર, 2020માં વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ભાજપ સાથેના 24 વર્ષ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. આ પહેલાં અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી હતાં. અમિત શાહે ગયા મહિને દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન થવાના સંકેત આપ્યા હતા. 1 નવેમ્બરે ચંડીગઢની મુલાકાત દરમિયાન પણ તેમણે ફરી એક વાર કહ્યું હતું કે પંજાબમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સરકાર બનશે.




