મુંબઈઃ મહારાષ્ટ્રના મીરા-ભાઈંદર શહેરમાં SIRની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી છે. ત્યાર બાદ 145 અને 146 વિધાનસભા મતવિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારોની એન્ટ્રીઓને લઈને સવાલો ઊભા થયા છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આરોપ લગાવ્યો છે કે આ મતદારોનો લાભ તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને મળ્યો હતો. સરનાઈકે એવો પણ દાવો કર્યો છે કે ચૂંટણી પહેલાં તેમણે બનાવટી મતદારો અંગે નગરપાલિકા કમિશનરને માહિતી આપી હતી, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
કેમ શરૂ થયો વિવાદ?
દેશના ચૂંટણી પંચના આદેશાનુસાર રાજ્યમાં હાથ ધરવામાં આવેલા વિશેષ સઘન પુનનિરીક્ષણ (SIR) અભિયાન હેઠળ મહારાષ્ટ્રના વિધાનસભા મતવિસ્તારોની પ્રાથમિક મતદાર યાદીઓ 31 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી. મીરા-ભાઈંદર શહેરના 145 મીરા-ભાઈંદર અને 146 ઓવલા-માજીવડા, આ બંને વિધાનસભા મતવિસ્તારોની આંકડાકીય વિગતોમાં મોટી સંખ્યામાં મતદારોની એન્ટ્રીઓની ચકાસણી કરવાની જરૂરિયાત સામે આવી છે.
સરનાઈકે શું કહ્યું?
રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે દાવો કર્યો હતો કે આ મતદારોનો સીધો લાભ સ્થાનિક સત્તાધારી પાર્ટીએ ઉઠાવ્યો હતો. નગરપાલિકા ચૂંટણી દરમિયાન અમે બનાવટી મતદારો અંગે કમિશનરને જાણ કરી હતી. પરંતુ તેને અવગણવામાં આવ્યું. પરિણામે, જનસંપર્ક અમારા પક્ષમાં હોવા છતાં ચૂંટણીમાં જનાદેશ સત્તાધારી પાર્ટીના પક્ષમાં ગયો હતો.

તેમણે કહ્યું હતું કે ભાજપે મતદાર યાદીના સ્તરે વધુ સારું કામ કર્યું હતું, જેને કારણે તેને જીત મળી. બીજી તરફ, તેમના કાર્યકરોએ આ બાબત પર પૂરતું ધ્યાન આપ્યું નહોતું, જેને કારણે હારનો સામનો કરવો પડ્યો. તેમણે એમ પણ કહ્યું કે હવે ભૂતકાળની વાતોને પાછળ છોડીને આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહાયુતિમાં ભાજપ અને શિવસેના સાથે હોવા છતાં શિવસેનાના એક મંત્રી દ્વારા ભાજપ પર લગાવવામાં આવેલા આ આરોપોથી સ્થાનિક રાજકારણમાં વિવાદ ઊભો થવાની શક્યતા છે. સરનાઈકે મતદાર યાદીના સ્તરે સ્થાનિક સ્તરે ગેરરીતિ થયાનો પણ આરોપ લગાવ્યો છે.




