નવી દિલ્હીઃ વર્ષ 2024ના લોકસભા ચૂંટણીઓમાં ફિલ્મઅભિનેત્રી કંગના રણોતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. કંગનાએ ચૂંટણી જીતી પણ છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘટનાઓ ઘટી છે જેને કારણે મંડી જિલ્લામાં ભાજપને કંગના રણોતને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કંગના રણોતનાં નિવેદનોને કારણે હિમાચલમાં સરકાર ચલાવી રહેલી કોંગ્રેસને ભાજપ પર હુમલો કરવાની તક મળી ગઈ છે. કેબિનેટ મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે કંગના રણોત જેવી બોલીવુડ અભિનેત્રી માટે રાજકારણ કરવું સરળ નથી, અને જો તે પોતાની જવાબદારીઓ ન ભજવી શકે તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ પ્રતિભા સિંહે પણ કંગનાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે.
હાઈકમાન તેમની પર નજર રાખી રહ્યું છે
ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે પાર્ટી આવી કેટલીક બાબતો પર ખુલ્લેઆમ ન બોલે, પરંતુ આવી બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ચૂંટાઇને હજી માત્ર એક વર્ષ જ થયું છે. હાઈકમાન તેમની કામગીરી અને નિવેદનો પર નજર રાખી રહ્યું છે.
ભાજપના નેતાએ કહ્યું હતું કે શિમલાના મુખ્યાલયમાં પ્રદેશાધ્યક્ષ પદ માટે થયેલી ઉમેદવારી અને મતદાનમાં પણ કંગના હાજર રહી ન હતી. મંડી જિલ્લાના એક સ્થાનિક ભાજપ નેતાએ કહ્યું હતું કે એવું લાગે છે કે કંગના રણોત હજી પણ પોતાના બે વ્યવસાય – ફિલ્મ અને રાજકારણ – વચ્ચે સંતુલન સાધવા માટે સંઘર્ષ કરી રહી છે.
