PM મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરતા જ રાહુલ ગાંધી પર વરસ્યા ભાજપના નેતાઓ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદને દેશભરમાં રાજકીય ઘમસાણ મચાવી દીધું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ તીખા અને વિવાદિત નિવેદન બાદ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતાઓ આગબબૂલા થઈ ગયા છે. ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન મોદીનો વિરોધ કરવાની લ્હાયમાં તેઓ હવે વિદેશી શક્તિઓના હાથની કઠપુતલી બની ગયા છે, જેનું અસલી રિમોટ કંટ્રોલ પાકિસ્તાન પાસે છે.

નિતિન નવીનનો આકરો પ્રહાર: ‘માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે રાહુલ’

રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને આ ટિપ્પણીને અત્યંત કમનસીબ અને અરાજકતાવાદી માનસિકતાનું પ્રતીક ગણાવી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “મને લાગે છે કે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. તેમની આ ભાષા દેશના 140 કરોડ લોકોનું ઘોર અપમાન છે. તેથી તેમણે તાત્કાલિક દેશની જનતાની માફી માંગવી જોઈએ. નિતિન નવીને વડાપ્રધાનના કાર્યોની યાદ અપાવતા સવાલ કર્યો કે, “જે વ્યક્તિએ દેશમાં આતંકવાદી ઘટનાઓ પર લગામ લગાવી, નક્સલવાદનો સફાયો કર્યો અને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગાનું સન્માન વધાર્યું, તેવા રાષ્ટ્રના નેતા માટે તમે આવા અપશબ્દોનો ઉપયોગ કરો છો? આ દેશ ક્યારેય સહન નહીં કરે.”

‘રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાનમાં’ – પ્રદીપ ભંડારી

બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી માટે ‘ગદ્દાર’ જેવા હીન શબ્દનો પ્રયોગ કરીને કોંગ્રેસ નેતાએ દેશની લોકશાહી અને જનતાનું અપમાન કર્યું છે. ભંડારીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, “રાહુલ ગાંધીનું રિમોટ કંટ્રોલ પાકિસ્તાન અને અન્ય ભારત વિરોધી તાકાતોના હાથમાં છે, જેના ઈશારે તેઓ દેશના વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યા છે.”

ઓબીસી પૃષ્ઠભૂમિના કારણે પીએમ મોદીનું અપમાન: શહઝાદ પૂનાવાલ

ભાજપના અન્ય એક ફાયરબ્રાન્ડ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આ વિવાદમાં કોંગ્રેસની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા છે. પૂનાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી બહારથી તો ‘મોહબ્બત કી દુકાન’ હોવાનો દાવો કરે છે, પરંતુ નફરત ફેલાવવી એ જ તેમની અસલી ઓળખ છે. તેમણે હંમેશા પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કર્યું છે. વડાપ્રધાન મોદી એક પછાત (OBC) પૃષ્ઠભૂમિમાંથી આવે છે, એટલા માટે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના મનમાં તેમના પ્રત્યે આટલી નફરત છે અને તેઓ વારંવાર તેમનું અનાદર કરે છે.

વધતો જતો રાજકીય ગરમાવો

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીઓ અને સંસદના સત્રો પહેલા આ પ્રકારની ભાષાબાજીથી વાતાવરણ વધુ તંગ બનશે. ભાજપે આ મુદ્દાને દેશના સન્માન અને ઓબીસી અસ્મિતા સાથે જોડીને દેશવ્યાપી આંદોલન આદરવાના સંકેતો આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં કોંગ્રેસ બેકફૂટ પર આવી શકે છે.